એ.આર. રહેમાનના આ ગીતને કારણે બ્લોક થયું હતું IT મિનિસ્ટર રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ
- એ.આર. રહેમાનના ‘મા તુજે સલામ’ને કારણે બ્લોક થયું હતું IT મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ
- રવિવારે એકાઉન્ટનું એક્સેસ 1 કલાક માટે બ્લોક કરી દેવામાં આવ્યું હતું
- કૉપીરાઇટ ઇસ્યૂ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી
નવી દિલ્હી: રવિવારે ટ્વિટરે એક હરકત કરી હતી. ટ્વિટરે કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધું હતું. એકાઉન્ટનું એક્સેસ 1 કલાક માટે બ્લોક કરી દેવામાં આવ્યું હતું. આ માટે અમેરિકાના Digital Millennium Copyright Act (DMCA)ના ઉલ્લંઘનનો હવાલો અપાયો હતો. આ કારણોસર ભારતના આઇટી મંત્રીનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, રવિશંકર પ્રસાદના ટ્વિટર એકાઉન્ટ વિરુદ્વ જે પગલાં ભરવામાં આવ્યા હતા તે મામલો વર્ષ 2007 સાથે જોડાયેલું એક ટ્વિટ હતું. વર્ષ 2007માં રવિશંકર પ્રસાદે વિજય દિવસ પર એ.આર. રહેમાનના ગીત ‘મા તુજે સલામ’નો વીડિયો શેર કરતા કેપ્શન લખ્યું હતું. આ ગીતના કૉપીરાઇટ સોની મ્યૂઝિક પાસે છે. આ ગીતના ઉપયોગ પર સોની મ્યૂઝિક તરફથી ટ્વિટરને ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં પણ કૉપીરાઇટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.
લ્યૂમેન તરફથી મળેલી જાણકારી પ્રમાણે ટ્વિટરને સોની મ્યૂઝિક એન્ટરટેઇનમેન્ટ તરફથી DMCA નોટિસ મોકલવામાં આવી હતી. DMCA અમેરિકન કૉપીરાઇટ કાયદો છે. જેના 1998માં તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટને લાગૂ કર્યો હતો. આ કાયદાનો ઉદેશ્ય કોઈ પણ પ્રકારના કન્ટેન્ટ ઑડિયો, વીડિયો, અને ટેક્સ્ટની ચોરી થતી અટકાવવાનો છે.
નોંધનીય છે કે આ ફરિયાદમાં સોની તરફથી ટ્વિટરને આ ટ્વિટ હટાવી દેવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદમાં આ સમગ્ર મામલાની ફરિયાદ ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ ધ ફોટોગ્રાફિક ઇન્ડસ્ટ્રી એટલે કે IFPને કરવામાં આવી હતી. ત્યારબાદ રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ 1 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.