Site icon Revoi.in

ભારત-ચીન તણાવ: ભારતીય સેનાને હવે 15 દિવસ સુધી દારૂગોળો રાખવાની પરવાનગી

Social Share

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે ભારતે એક અગત્યનું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળોને 15 દિવસના ભીષણ યુદ્વ માટે સામાન અને દારુગોળો સ્ટોરેજ કરવાની મંજૂરી આપી દીધી છે. પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે કેન્દ્ર સરકારના નિર્ણય અને ઇમરજન્સી નાણાકીય શક્તિઓના ઉપયોગ કરતાં સશસ્ત્ર દળો દ્વારા આગામી દિવસોમાં 50 હજાર કરોડના જરૂરી સામાન અને દારૂગોળાની સાથે હથિયારોની ખરીદી કરવાની આશા છે.

અગાઉ સામાન અને દારૂગોળો સ્ટોરેજની મર્યાદા 10 દિવસની હતી. સરકારના આ નિર્ણયથી સશસ્ત્ર દળોને ચીન અને પાકિસ્તાનની સાથે બે મોરચા પર યુદ્વની તૈયારી કરવામાં મદદ મળશે. 15 દિવસના ભીષણ યુદ્વ માટે સામાન એકત્ર કરવાની મંજૂરી બાદ અત્યાધુનિક હથિયાર, ઉપકરણ અને દારૂગોળોની ખરીદી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા જ તેના માટે મંજૂરી આપી હતી.

સેનાને પહેલા 40 દિવસો માટે હથિયાર, દારૂગોળો અને શસ્ત્ર સરંજામ એકત્ર કરવાની મંજૂરી હતી, પરંતુ બાદમાં તેને ઘટાડીને 10 દિવસ કરી દેવામાં આવી હતી. અહેવાલો અનુસાર સૈન્ય શસ્ત્ર સરંજામના સ્ટોરેજ અને યુદ્વના બદલતા સ્વરૂપને કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, ઉરી હુમલા બાદ એ જાણવા મળ્યું કે શસ્ત્ર દળોની પાસે સ્ટોક ઘણો ઓછો છે અને તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પરિકરની આગેવાની ડિફેન્સ કમિટીએ સશસ્ત્ર દળોના વાઇસ-ચીફના નાણકીય તાકાતને 100 કરોડથી વધારીને 500 કરોડ રૂપિયા કરી દીધી હતી.

(સંકેત)