- ઘાટીમાં હજુ પણ આશરે 200 જેટલા આતંકવાદીઓ સક્રિય
- વર્ષના અંત સુધીમાં આ સંખ્યા ઘટાડી દેવાશે
- ચિનાર કોર કમાંડર લેફ્ટનેન્ટ જનરલ ડીપી પાંડેએ દર્શાવી આ મક્કમતા
નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી જમ્મૂ કાશ્મીરની ઘાટીઓમાં વારંવાર આતંકવાદીઓ અનેક હુમલાઓને અંજામ આપતા હોય છે. ક્યારેક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ તો ક્યારેક ગોળીબાર કરે છે. ખાસ કરીને આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાનમાં જ આતંકીઓ તાલીમ લે છે અને બાદમાં તેઓ ભારતીય સરહદેથી ઘૂસણખોરી કરીને આતંકી હુમલાઓને વારંવાર અંજામ આપે છે.
જો કે ભારતીય સેના આ આતંકીઓને દર વખતે જડબાતોડ જવાબ આપે છે અને વારંવાર થતા એન્કાઉન્ટરમાં અનેક આતંકીઓનો ખાતમો બોલાવીને દેશની રક્ષા કરે છે. જો કે આતંકીઓની ફેક્ટરી એવા પાકિસ્તાનમાં સતત નવા આતંકીઓ ટ્રેનિંગ લેતા રહે છે.
આ અંગે ચિનાર કોર કમાંડર લેફ્ટનેન્ટ જનરલ ડીપી પાંડેએ કહ્યું કે, ઘાટીમાં હજુ પણ 200 જેટલા આતંકીઓ સક્રિય છે. તેમણે આ સાથે મક્કમતા પણ દર્શાવી છે કે આ વર્ષના અંત સુધીમાં ઘાટીમાં આતંકવાદીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવશે.
લેફ્ટિનેન્ટ જનરલ ડીપી પાંડેએ સંઘર્ષવિરામ મુદ્દે કહ્યું હતું કે, નિયંત્રણ રેખા પર આપણા લોકો શાંતિપૂર્ણ રીતે રહી શકે અને તેમની દેખભાળ રાખી શકાય તે સુનિશ્વિત કરવા માટે જ સંઘર્ષવિરામ કરવામાં આવ્યો છે.