- આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને લોભાવવાનો પ્રયાસ
- આસામમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો
- આ વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, કેરલ અને તામિલનાડુમાં ચૂંટણી યોજાશે
નવી દિલ્હી: આસામમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા જનતાને લોભાવવા માટે હવે જાત જાતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આજકાલ સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે લોકો હેરાન પરેશાન છે ત્યારે આસામમાં સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં પાંચ રૂપિયા જેટલો ઘટાડો કરી દીધો છે. આ સિવાય દારુ પરની ડ્યુટીમાં પણ 25 ટકા ઘટાડો કરીને દારુને સસ્તું કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, કેરલ અને તામિલનાડુ એમ ચાર રાજ્યમાં ચૂંટણીઓ યોજાવાની છે. હાલમાં આસામમાં ભાજપની સરકાર છે. ચૂંટણી પંચ 15 ફેબ્રુઆરી બાદ ક્યારે પણ આ ચાર રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. જોકે એ પહેલા મતદારોને લોભાવવા માટેની હોડ શરુ થઈ ચુકી છે.
ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં છ થી આઠ તબક્કામાં અને આસમમાં બે થી ત્રણ તબક્કામાં તેમજ તામિલનાડુ અને કેરલમાં એક જ તબક્કામાં મતદાન યોજવામાં આવે તેવી શક્યતા છે. દરમિયાન આસામ અને પશ્ચિમ બંગાળમાં તો રાજકીય પક્ષોએ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઝંઝાવાતી પ્રચાર પણ શરુ કરી દીધો છે.
(સંકેત)