- કોરોના કાળમાં ઇન્જેક્શન, ઓક્સિજન, દવાની કાળાબજારી બાદ ઇ-કોમર્સ કંપનીઓએ શરૂ કરી નફાખોરી
- નફાખોરી માટે ઇ-કોમર્સ કંપની પતંજલિની કોરોનિલ દવાઓ મનફાવે એ ભાવે વચી રહી છે
- ખુદ યોગગુરુ બાબા રામદેવે આ વેબસાઇટ પર રોષ ઠાલવ્યો છે
નવી દિલ્હી: કોરોનાના આ સંકટકાળમાં જ્યારે લોકો એક તરફ ઓક્સિજન, દવાઓ, ઇન્જેક્શનની કાળાબજારી કરતા પકડાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ ઇ-કોમર્સ સાઇટ્સ પર દવાઓ, ઓક્સિમીટરની ગ્રાહકો પાસેથી ઊંચી કિંમતો વસૂલીને કાળાબજારી કરી રહી છે. પતંજલિ આયુર્વેદની રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા કોરોનિલના પણ ગ્રાહકો પાસેથી મન ફાવે તે રીતે ભાવની વસૂલાત કરાઇ રહી છે. ખુદ યોગ ગુરુ બાબા રામદેવે આવી સાઇટ વિરુદ્વ રોષ ઠાલવ્યો છે.
પતંજલિની રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા કોરોનિલની વાસ્તવિક કિંમત માત્ર 400 રૂપિયા જ છે, પરંતુ અનેક સાઇટ પર તે 700 થી 1,000 રૂપિયા વચ્ચે વેચાઇ રહી છે. પતંજિલ આયુર્વેદની પોતાની વેબસાઇટ પર આ દવા માત્ર રૂ.400માં મળી રહી છે.
વાત એમ છે કે, કેટલાક દિવસ પહેલા એક ગ્રાહકે એક અગ્રણી સાઇટ પરથી આ દવા 1,000 રૂપિયામાં મંગાવી હતી. જો કે બાદમાં પતંજલિની સાઇટ પર એ જ દવા માત્ર રૂ.400માં મળતી હોવાની ખબર પડતા તેઓ ખુદ ચોંકી ગયા હતા અને પોતાનો ઓર્ડર કેન્સલ કર્યો હતો. ઇ-કોમર્સ સાઇટ દવાના ડિલીવરી ચાર્જ માટે પણ તોતિંગ રૂ.45 વસૂલી રહી હતી.
દેશમાં દરરોજ લાખો લોકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારતી પતંજલિની કોરોનિલ કિટ, ટેબલેટ દવાઓની ખૂબ જ માંગ છે. આ માંગનો ગેરલાભ ઉઠાવીને અનેક ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકો પાસેથી મનફાવે તેવી કિંમત વસૂલી રહી છે. બાબા રામદેવે પોતે લોકોને આવી વેબસાઇટથી સાવધાન રહેવા કહ્યું છે.
ગ્રાહકોની ફરિયાદો બાદ સાઇટ પર દવાઓની કિંમત ઘટી છે, જો કે સામે ડિલીવરી ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.
(સંકેત)