Site icon Revoi.in

કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન બન્યા બસવરાજ બોમ્મઇ, CM પદના શપથ ગ્રહણ કર્યા

Social Share

નવી દિલ્હી: કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે આજે બસવરાજ બોમ્મઇએ શપથ ગ્રહણ કર્યા. બસવરાજ બોમ્મઇએ રાજ્યના 23માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું.

આ અંગે બસવરાજે કહ્યું હતું કે, મે રાજ્યપાલને વિધાયક દળના નેતા તરીકે મારી પસંદગી અંગે જણાવ્યું. તેમણે મને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. શપથ ગ્રહણ સમારોહ રાજ ભવનના ગ્લાસ હાઉસમાં થયો હતો. આ સાથે જ બોમ્મઇનું એકલાનું જ શપથ ગ્રહણ થયું. અન્ય કોઇ મંત્રીનું શપથ ગ્રહણ થયું નથી.

આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યા બાદ ભાજપે બસવરાજ એસ બોમ્મઇના નામ પર મહોર મારી હતી. કેન્દ્રીય પર્યવેક્ષકોના નેતૃત્વમાં બેંગ્લુરુમાં ભાજપ વિધાયક દળની બેઠક થઇ હતી જેમાં તેમના નામ પર મહોર લાગી હતી.

મહત્વનું છે કે, બસવરાજ બોમ્મઈએ પોતાની રાજનીતિની શરૂઆત જનતાદળથી કરી હતી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીનો ભાગ બન્યા. તેઓ બીએસ યેદિયુરપ્પાની નીકટના ગણાય છે. આ જ કારણ છે કે તેમને મુખ્યમંત્રી પદની રેસમાં ફાયદો મળ્યો અને તેમના નામની પસંદગી થઈ.

બીએસ યેદિયુરપ્પાની જેમ બસવરાજ બોમ્મઈ પણ લિંગાયત સમુદાયથી આવે છે. તેમના પિતા એસ.આર.બોમ્મઈ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.