Site icon Revoi.in

પશ્વિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે વિશેષ વ્યવસ્થા આવશ્યક: ચૂંટણી પંચ

Social Share

કોલકાતા: પશ્વિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના અધિકારીઓ હાલમાં પશ્વિમ બંગાળના પ્રવાસે છે. આજે પશ્વિમ બંગાળના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને બીજા વિભાગોના અધિકારીઓ સાથે ચૂંટણી પંચે બેઠક યોજી હતી. જેમાં રાજ્યના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા.

ચૂંટણી પંચે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર અસંતોષ વ્યક્ત કર્યો છે. બેઠક બાદ ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોએ પણ રાજ્યમાં જે પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેના પર ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યમાં સાંપ્રદાયિક સદભાગ બગાડવામાં આવે તેવી પણ દહેશત છે. આમ રાજ્યમાં કાયદો તેમજ વ્યવસ્થા જાળવી રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, જેના ભાગરૂપે દરેક મતદાન કેન્દ્ર પર મતદારોની સંખ્યા 1500થી ઘટાડીને 1000 કરી દેવામાં આવી છે. જેનાથી રાજ્યમાં મતદાન કેન્દ્રોની સંખ્યા 1 લાખથી વધી જશે. કોવિડના સંક્રમણને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે કે દરેક મતદાન કેન્દ્રો પર કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનોને તૈનાત કરવામાં આવશે.

(સંકેત)