Site icon Revoi.in

સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકએ રાજ્યો માટે પોતાની વેક્સીન ‘કોવેક્સીન’ની કિંમત ઘટાડી

Social Share

નવી દિલ્હી: ભારત બાયોટેકે હવે રાજ્યો માટે કોવેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી દીધી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકએ અગાઉ પોતાની કોવિડ 19 રસી કોવેક્સીનની કિંમત રાજ્ય સરકારો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ તેમજ ખાનગી હોસ્પિટલો માટે 1200 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કર્યો હતો. હવે કંપનીએ રાજ્ય સરકારો માટે આ ભાવ ઘટાડીને 400 રૂપિયા પ્રતિ ડોઝ કરી દીધો છે.

આપને જણાવી દઇએ કે, અગાઉ સીરમ ઇન્સ્ટિટ્યૂટે રાજ્યોને આપવામાં આવતી કોવિશીલ્ડ વેક્સીનની કિંમત 100 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ પોતાની કોવિડ 19 રસી કોવિશિલ્ડની રાજ્ય સરકારો માટે કિંમત 400 રૂપિયા પ્રતિ ડોઝ નિર્ધારિત કરી હતી જે હવે તેને ઘટાડીને પ્રતિ ડોઝ 300 રૂપિયા કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે વેક્સીનની કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર માટે અલગ અલગ કિંમતને લઇને રાજકારણ ગરમાયું હતું તેમજ લોકોએ પણ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષોએ પણ મોદી સરકારને આ જ બાબતને લઇને ટાર્ગેટ કરી હતી. બાદમાં મોદી સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ભારત બાયોટેકને પોતાની કોવિડ 19 રસીની કિંમત ઓછી કરવા કહ્યું હતું.

નોંધનીય છે કે, આગામી 1 મેથી કોરોના રસીકરણનું ત્રીજું ચરણ શરૂ થવા જઇ રહ્યું છે જેમાં 18 વર્ષથી મોટી વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે.

(સંકેત)