- લાલ કિલ્લા પર થયેલા હિંસક પ્રદર્શનને લઇને દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી
- ચાર્જશીટ અનુસાર લાલ કિલ્લા પર થયેલી હિંસા એ પૂર્વનિયોજીત ષડયંત્ર હતું
- આ માટે નવેમ્બર મહિનાથી જ તૈયારીઓ કરવામાં આવી હતી
નવી દિલ્હી: છેલ્લા 6 મહિનાથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન થઇ રહ્યું હતું અને અચાનક 26 જાન્યુઆરીના રોજ આંદોલન ઉગ્ર બન્યું હતું. 26 જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર થયેલ હિંસક પ્રદર્શન પ્લાનિંગ મુજબનું એક ષડયંત્ર હતું. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરેલી ચાર્જશીટમાં આ ખુલાસો થયો હતો.
આ ચાર્જશીટ પર કોર્ટ 28 મેના રોજ પ્રતિક્રિયા આપશે. ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસ અનુસાર આ આરોપ પત્રોમાં ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મુખ્ય વાત એ છે કે ખેડૂત આંદોલનની આડમાં કેટલાક ખેડૂત નેતાઓ દ્વારા હિંસા ફેલાવીને લાલ કિલ્લા પર ચઢાઇ કરી, સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર પ્રદર્શન સ્થળ બનાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ કરીને તેમજ પુરાવાઓ એકત્ર કરીને આ આરોપ પત્ર રજૂ કરવામાં આવ્યો છે.
26મી જાન્યુઆરીના રોજ હિંસા કરીને લાલ કિલ્લાની અંદર તોડફોડ કરવામાં આવી હતી. ખેડૂત આંદોલનની આડમાં દેશના ઐતિહાસિક અને ગૌરવ સમા લાલ કિલ્લા પર લહેરાતા રાષ્ટ્રધ્વજનું અપમાન કરીને તેની જગ્યાએ કિસાન આંદોલન અને બીજા ઝંડા લહેરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી. કહેવાય છે કે, આ બધુ પહેલાથી જ પ્લાનિંગ હતું.
આ પ્લાનિંગ મુજબ રેલીમાં સૌથી આગળ વૃદ્ધ લોકોને રાખવામાં આવ્યા હતા જેથી કોઈ પણ પોલીસ વાળા તેમના ઉપર કોઈ પણ કાર્યવાહી કરી ના શકે. સાથે જ આંદોલનમાં સામેલ યુવાનો દ્વારા પ્રદર્શનના ફોટો અને વિડીયો સોશ્યલ મીડિયા મારફતે લાઈવ બતાવવાનું પણ ચાલુ હતું. આ બધુ જ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ચાર્જશીટ મુજબ, આ હિંસા કરવાનું સ્થળ, સમય અને તારીખ બધુ ઘણા સમય પહેલા જ નક્કી કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર દેશ અને દુનિયાને આ આંદોલનની જાણ થાય તે માટે કરોડો રૂપિયાનું ભંડોળ પણ એકઠું કરવામાં આવ્યું હતું. આરોપ પત્ર મુજબ નવેમ્બર મહિનાથી જ આ ઘટનાને અંજામ આપવાનો વિચાર મૂકવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પંજાબ અને હરિયાણામાં ઘણા ટ્રેક્ટરો અને બીજો સામાન ખરીદવામાં આવ્યો હતો.