- પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડની કમાન સંભાળી
- રાજ્યપાલ બેબી પ્રસાદ મૌર્યએ તેમને પદના શપથ લેવડાવ્યા
- આ સાથે પુષ્કર સિંહ ધામી પ્રદેશના સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા છે
નવી દિલ્હી: ઉત્તરાખંડના રાજકારણમાં હલચલ જોવા મળી હતી. ગઇકાલે ઉત્તરાખંડના સીએમ પદેથી બંધારણીય સંકટની વાત કહીને તીરથ સિંહે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ બાદ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે પુષ્કર સિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે પુષ્કર સિંહ ધામી પ્રદેશના સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા છે. બીજેપીએ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પુષ્કર સિંહ ધામીને મહત્વની જવાબદારી આપી છે. ધામી ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ બેબી પ્રસાદ મૌર્યએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા.
મહત્વની વાત એ છે કે માત્ર સાડા ચાર વર્ષમાં ભાજેપ ત્રીજા મુખ્યમંત્રી આપ્યા છે. પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી હતા. ત્યારબાદ ઉત્તરાખંડની કમાન તીરથ સિંહ રાવતને સોંપવામાં આવી. પરંતુ ત્રણ દિવસ પહેલા તિરથ સિંહ રાવતે રાજીનામુ આપ્યા બાદ સીએમ પદ માટે પુષ્કર સિહં ધામીની પસંદગી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીની સાથે ભાજપના વરિષ્ઠ નેતા સતપાલ મહારાજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય હરક સિંહ રાવતે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. ધારાસભ્ય બંશીધર ભગત અને યશપાલ આર્યએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. સુબોધ અનિયાલ, અરવિંદ પાન્ડેય, ગણેશ જોશી, ડો. ધનસિંહ રાવત, બિશન સિંહ, રેખા આર્યએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે.
પુષ્કર સિંહ ધામીએ શપથ લેતા પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ધામીએ દેહરાદૂનમાં રાજ્યના મંત્રી સતપાલ મહારાજ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ ભુવન ચંદ્ર ખંડૂરી સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ લીધા હતા.
સૌથી યુવા મુખ્યપ્રધાન
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના સૌથી યુવા ઉંમરના મુખ્યપ્રધાન બની ગયા છે. તેઓ 45 વર્ષની ઉંમરે સીએમ બની ગયા છે. પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર 1975ના રોજ ખાતીમામાં થયો હતો. હાલમાં ઉત્તરાખંડમાં સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે રહેશે.