Site icon Revoi.in

ગેરકાયદેસર હોટલને લઇને સોનુ સૂદ વિરુદ્વ બીએમસીએ પોલીસમાં કરી ફરિયાદ

Social Share

મુંબઇ: કોરોના કાળમાં હજારો શ્રમિકો તેમજ જરૂરિયાતમંદોને મદદરૂપ બનનાર બોલિવૂડના એક્ટર સોનુ સૂદ વિરુદ્વ બૃહદ મુંબઇ મ્યુનિસિપિલ કોર્પોરેશનએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બોલિવૂડ એક્ટર વિરુદ્વ રેસિડેન્સિયલ બિલ્ડિંગને ગેરકાયદેસર રીતે હોટલમાં ફેરવવાનો આરોપ બીએમસી દ્વારા લગાવાયો છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર બીએમસીએ બોલિવૂડના એક્ટર સોનું સૂદ વિરુદ્વ જુહૂમાં આવેલી 6 માળની રેસિડેન્સિયલ બિલ્ડિંગને મંજૂરી વિના જ હોટલમાં બદલી નાખવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીએમસીએ જુહુ પોલીસને મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ મંજૂરી વિના સુધારા કરવાના ગુનામાં કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

જ્યારે આ મામલે સોનુ સૂદનું કહેવું છે કે તેને BMC તરફથી આ સુધારા માટે મંજૂરી મળી ગઈ હતી અને તે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA)ના ક્લિયરન્સ માટે રાહ જોઈ રહ્યો હતો. કોરોનાના કારણે તેની મંજૂરી હજુ સુધી આવી નથી. અહીં કોઈ અનિયમિતતા નથી. પોલીસનું કહેવું છે કે શરૂઆતની તપાસ ચાલી રહી છે અને આ બાદ જ FIR દાખલ કરવામાં આવશે.

બીએમસીએ આ મામલે જુહૂ પોલીસમાં 4 જાન્યુઆરીએ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં કહેવાયું હતું કે, સોનુ સૂદે શક્તિ સાગર બિલ્ડિંગ જે એ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, તેને પરમીશન વિના જ હોટલમાં બદલી નાખી છે. બીએમસીએ પોલીસને ભલામણ કરી છે કે સોનુ પર મહારાષ્ટ્ર રીઝન એન્ડ ટાઉન પ્લાનિંગ (MRTP) એક્ટ હેઠળ એક્શન લેવામાં આવે.

(સંકેત)