દિલ્હીના IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ
- દિલ્હીમાં હાઇ એલર્ટ
- IGI એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
- અલકાયદાએ પોલીસને મોકલ્યો ઇમેઇલ
નવી દિલ્હી: ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશન એરપોર્ટ ખતરામાં છે કારણ કે અલકાયદાએ આ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. દિલ્હી પોલીસને શનિવારે સાંજે અલકાયદાના નામે ઇમેઇલ મળ્યો હતો. તેમાં આગામી થોડા દિવસોમાં IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઇમેઇલમાં લખવામાં આવ્યું છે કે, કરણબીર સૂરી ઉર્ફે મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી શારા ઉર્ફે હસીના સિંગાપુરથી ભારત આવી રહ્યા છે. તેઓ આગામી 1 થી 3 દિવસમાં એરપોર્ટ પર બોમ્બ રાખવા કાવતરું ઘડી રહ્યા છે. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઇ છે.
આ અંગે DIGએ કહ્યું હતું કે, અગાઉ પણ આવા જ નામે ધમકીને મેઇલ મળ્યા હતા. પહેલા કરણબીર અને શૈલીને ISISના એજન્ટ બતાવ્યા હતા. તેમાં પણ એવું જ લખ્યું હતું કે, આ બંને આવી રહ્યા છે અને એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું છે.
અગાઉ 18 એપ્રિલના રોજ દિલ્હી એરપોર્ટ પર એક વિમાનને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકીથી સનસનાટી મચી ગઈ હતી. બેંગાલુરૂથી દિલ્હી આવતી ફ્લાઈટમાં એક મુસાફરને વોશરૂમમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં વિમાનમાં બોમ્બ હોવાની અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી લખવામાં આવી હતી.