1. Home
  2. ગુજરાતી
  3. ટાઈમલાઈન અયોધ્યા – ૧ (સોળમી સદીથી ઓગણીસમી સદી)
ટાઈમલાઈન અયોધ્યા – ૧ (સોળમી સદીથી ઓગણીસમી સદી)

ટાઈમલાઈન અયોધ્યા – ૧ (સોળમી સદીથી ઓગણીસમી સદી)

0
Social Share
હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી )

અંતે સદીઓની પ્રતિક્ષા, આંદોલન, વિવાદ અને ધૈર્ય પછી ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામમંદિરના નિર્માણની શુભ ઘડી આવી ચૂકી છે. આગામી 5 ઑગસ્ટના રોજ દેશના પીએમ નરેન્દ્ર મોદી વૈદિક મંત્રોચ્ચારની સાથે મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસના અનુષ્ઠાન કરશે.

જો કે, આ શુભ ઘડી આવતા પહેલા મંદિર નિર્માણને આડે અનેક વિધ્નો આવ્યા છે. અયોધ્યાનો પોતાનો એક અલગ જ ઇતિહાસ રહ્યો છે. અયોધ્યાના ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ બની છે જેના પર વરિષ્ઠ પત્રકાર હેમંત શર્માએ પોતાના જ પ્રત્યક્ષ અનુભવ અને નીરિક્ષણના આધારે પ્રકાશ પાડ્યો છે. આ પુસ્તક મારફતે પત્રકાર હેમંત શર્માએ વાચકોને અયોધ્યા વિવાદની બારીકાઇથી રૂબરુ કરાવવાનો પ્રયાસ કર્યો છે. તથ્યો અને પ્રમાણો પર આધારિત આ પુસ્તક અયોધ્યાના આંદોલનથી લઇને સંપૂર્ણ ઘટનાક્રમની વાસ્તવિકતાથી વાચકોને પરીચિત કરાવે છે.

અમે આજથી અમારા વાચકો માટે હેમંત શર્માના આ પુસ્તક “યુદ્વમે અયોધ્યા”માં ઉલ્લેખ કરાયેલા અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમની ટાઇમલાઇનને ગુજરાતીમાં અનુવાદ સાથે રજૂ કરવા જઇ રહ્યા છીએ. આજથી અમે આપને ટાઈમલાઈન અયોધ્યા” શ્રેણી સાથે અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી અવગત કરવાનો પ્રયાસ કરીશું.

તો ચાલો શરૂ કરીએ…

અયોધ્યાનો અર્થ છે જેને શત્રુ જીતી ના શકે. યુદ્ધનો અર્થ તો આપણે સહુ જાણીએ છીએ. યોધ્યનો અર્થ કે જેની સાથે યુધ્ધ થઈ શકે. માનવી એની સાથે જ યુદ્ધ કરે છે જેની સામે જીતવાની સંભાવના રહેતી હોય.એટલે કે અયોધ્યાનો અર્થ છે જેને જીતી ના શકાય….આઝાદ ભારતમાં અયોધ્યાને લઈને ખૂબ ચર્ચાઓ થઈ, વર્ષો વર્ષ નેરેટીવ ચાલ્યો. પણ કોઈએ તેને સમજવાની કોશિશ ન કરી.

ઉપરોક્ત શબ્દોથી અયોધ્યામાં પાચ સદીઓ પહેલા બનેલી ઘટનાઓથી ટાઈમલાઈન અયોધ્યા”ની શરૂઆત કરીએ અને ક્રમશઃ સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ.

  • વર્ષ ૧૫૨૮ : બાબરના એક સેનાપતિ મિર બાકી એ અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું જેને હિંદુઓ ભગવાન રામનું જન્મસ્થાન માનતા હતાં.
  • ૧૫૨૮-૧૭૩૧: આ સમયગાળામાં આ ઇમારત પર કબજો કરવા બન્ને સમુદાયોની તરફથી ૬૪ વાર સંઘર્ષ થયો.
  • ૧૮૨૨: ફૈઝાબાદ અદાલતના એક કર્મચારી હફિઝુલ્લાએ સરકારને અહેવાલ મોકલ્યો જેમાં તેણે લખ્યું કે રામના જન્મસ્થાન પર બાબરે એક મસ્જિદ બનાવી હતી.
  • ૧૮૫૨: અવધના અંતિમ નવાબ વાજિદઅલી શાહના શાસનમાં અહી પહેલી વાર મારપીટની ઘટનાનો લેખિતમાં ઉલ્લેખ થયો. નિર્મોહી પંથના લોકોએ દાવો કર્યો કે બાબરે એક મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી.
  • ૧૮૫૫: હનુમાનગઢી પર વૈરાગીઓ અને મુસલમાનો વચ્ચે યુદ્ધ થયું.વાજિદઅલી શાહે બ્રિટિશ રેસિદેન્ટ મેજર આર્ટમને અયોધ્યાની હાલત પર એક પત્ર મોકલ્યો.તેમાં પાચ દસ્તાવેજો જોડીને તેણે કહ્યું કે આ વિવાદિત ઇમારતને લઈને અહી હિન્દુ મુસ્લિમો વચ્ચે તણાવ રહે છે.
  • ૧૮૫૯: બ્રિટિશ હકુમતે આ પવિત્ર સ્થાનની ઘેરાબંદી કરી લીધી. અંદરનો હિસ્સો મુસ્લિમોની નમાઝ માટે અને બહારનો હિસ્સો હિંદુઓની પુજા માટે આપવામાં આવ્યો.
  • ૧૮૬૦: ડેપ્યુટી કમિશનર ફૈઝાબાદની અદાલતમાં મસ્જિદના ખાતીબ મિર રજ્જન અલીએ એક અરજી કરી કે મસ્જિદ પરિસરમાં એક નિહંગ શિખે નિશાન સાહિબ રોપીને એક ચબુતરો બનાવી દીધો છે , તેને હટાવવામાં આવે.
  • ૧૮૭૭: મસ્જિદના મૂઅઝીન મોહમ્મદ અસગરે ડેપ્યુટી કમિશનરની કચેરીમાં ફરી એક અરજી કરીને ફરિયાદ કરી કે વૈરાગી મહંત બલદેવદાસે મસ્જિદ પરિસરમાં એક ચરણપાદુકા રાખી દીધી છે,જેની પુજા થઈ રહી છે. એમણે પુજા માટે એક ચુલો પણ બનાવ્યો છે, કદાચ એ હવનકુંડ રહ્યો હશે. અદાલતે કશું હટાવ્યું તો નહી પણ મહંત બલદેવને આગળ કઈ વધારે કરવા પર રોક લગાવી દીધી અને મુસલમાનોને મસ્જિદમાં જવા માટે બીજો રસ્તો બનાવી દીધો.
  • ૧૮૮૫, ૧૫ જાન્યુઆરી: અહી મંદિર બનાવવાની પહેલીવાર માંગ અદાલતમાં પહોંચી. મહંત રઘુબર દાસે પહેલો કેસ ફાઈલ કર્યો. તેમણે રામ ચબુતરા પર ઍક મંડપ બનાવવાની મંજુરી માંગી, જે એમના કબજામાં હતો. સંયોગવશ આ જ વર્ષે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસની પણ સ્થાપના થઈ.
  • ૧૮૮૫, ૨૪ ફેબ્રુઆરી: ફૈઝાબાદની જિલ્લા અદાલતે એવું કહીને મહંત રઘુબર દાસની અરજી ફગાવી દીધી કે આ જગ્યા મસ્જિદની ખુબ નજીક છે, તેનાથી ઝઘડા થઈ શકે. સબ જજ હરિકિશને પોતાના ચુકાદામાં માન્યું કે અહી ચબુતરા પર રઘુબર દાસનો કબ્જો છે.એમણે એક દિવાલ ઉંચી લઇને ચબુતરાને અલગ કરવાની સલાહ આપી,પણ કહ્યું કે અહી મંદિર નહી બની શકે.
  • ૧૮૮૬,૧૭ માર્ચ: મહંત રઘુબર દાસે જિલ્લા જજ ફૈઝાબાદ કર્નલ એફ એ કેમિયરની અદાલતમાં અપીલ દાખલ કરી. કેમિયર સાહેબે પોતાના ચુકાદામાં કહ્યું કે મસ્જિદ હિંદુઓના પવિત્ર સ્થાન પર બની છે પણ હવે મોડું થઈ ગયું છે , ૩૫૬ વર્ષ જુની ભુલને આટલા દિવસો પછી સુધારવી ઉચિત નથી, બધા પક્ષો યથાવત સ્થિતી બનાવી રાખે. ( ક્રમશઃ)

અનુવાદક: પ્રોફેસર ડૉ. શિરીષ કાશીકર

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code