Site icon Revoi.in

ચીન સાથે તણાવ વચ્ચે ભારત હવે સરહદના ગામોનો વિકાસ કરશે

Social Share

દેહરાદૂન: ચીન સાથે લદ્દાખ સરહદે લાંબા સમયથી ચાલતા સંઘર્ષ અને તિબેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની સાથે ભારતની સરહદો નજીક ચીનની વધતી હિલચાલને પગલે ભારતે પણ સરહદીય વિસ્તારોના ગામડાંઓને વિકસાવવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ઉત્તરાખંડ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા 100 સરહદી ગામડાઓની પસંદગી કરી લીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત સાથે લદ્દાખ સરહદે સંઘર્ષ વચ્ચે ચીને ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદની એકદમ નજીક તિબેટમાં લ્હાસા અને યિંગચીમાં રેલવે લાઇન માટે ટ્રેક પાથરવાનું કામ પૂર્ણ કર્યું હતું. તિબેટમાં ક્વિંગહાઇ-તિબેટ રેલવે પછી શિચુન-તિબેટ રેલવે બીજી રેલવે છે. આ રેલવે વિશ્વના સૌથી સક્રિય ભૌગોલિક વિસ્તારોમાંના એક ક્વિન્ગહાઇ-તિબેટ પ્લાટનું દક્ષિણ-પૂર્વે દોડશે.

નવી રેલવે લાઈનના પગલે ચીનના ચેન્ગડુથી લ્હાસાનો પ્રવાસ 48 ક્લાકના બદલે માત્ર 13 કલાકમાં પૂરો થશે. ગયા મહિને પ્રમુખ શી જિનપિંગે તિબેટમાં રેલવે પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી પૂરું કરવા નિર્દેશો આપ્યા હતા. તિબેટ રેલવે કન્સ્ટ્રક્શન કં.ના જણાવ્યા મુજબ સૂચિત 435 કિ.મી. લાંબી રેલવે લાઈન પર ટ્રેન પ્રતિ ક્લાક 160 કિ.મી.ની ઝડપે દોડી શકશે અને તે 47 ટનલો તથા 120 પુલ પરથી પસાર થશે.

નોંધનીય છે કે ભારત સરહદે લાંબા સમયથી ચીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યું હોવાથી ભારતે પણ હવે સરહદના ગામોને વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ઇન્ટરનેશનલ બોર્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સરહદીય ગામો વિકસાવવા માટે એસઓપી બનાવીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. ઉત્તરાખંડ સરકારે સરહદીય ગામોમાંથી નાગરિકોના પલાયનને અટકાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા જીલ્લાના 100 ગામોની પસંદગી કરી છે.

(સંકેત)