- દેશભરમાં ચકચારીભર્યા બુરાડી કાંડમાં પોલીસે આપ્યો ક્લોઝર રિપોર્ટ
- પરિવારના 11 સભ્યોના રહસ્યમય મોતનો કેસ આખરે બંધ કરી નાખવામાં આવ્યો છે
- રહસ્ય ઉપજાવે તેવા કોઇ પુરાવા મળ્યા ના હોવાથી આ હત્યા છે તે ફલિત થતું નથી
નવી દિલ્હી: દેશભરમાં રહસ્યમય અને ગૂંચવાયેલા ચકચારી બુરાડી કાંડને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યાં છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ માટે માથાનો દુ:ખાવો બનેલા બુરાડી કાંડમાં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમય મોતનો કેસ આખરે બંધ કરી નાખવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે રિપોર્ટ બંધ કરતા ક્લોઝર રિપોર્ટમાં રહસ્ય ઉપજાવે તેવા કોઇ પુરાવા મળ્યા ના હોવાનું કારણ આપીને હત્યા ના થઇ હોવાનું કહ્યું છે.
હકીકતમાં, દેશની રાજધાની દિલ્હીના બુરાડીમાં 1 જુલાઇ, 2018ના રોજ એક જ પરિવારના 11 સભ્યોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તમામના મોત ફાંસી લાગવાને કારણે થયા છે.
આપને જણાવી દઇએ કે બુરાડી કાંડ દિલ્હી પોલીસ માટે સૌથી વધુ પડકારજનક સાબિત થયો હતો. તેનું કારણ એ હતું કે આ એક એવા પ્રકારનો કેસ હતો કે જેમાં પોલીસને કોઇ તર્ક નહોતો મળ્યો. ક્રાઇમ બ્રાંચની ત્રણ વર્ષ સુધી આ કેસમાં લાંબી તપાસ ચાલી હતી. તપાસના અંતે નિષ્કર્ષ હતો કે, આ એક આત્મહત્યાનો કેસ હતો. પોલીસના ક્લોઝર રિપોર્ટ પર નવેમ્બર મહિનામાં સુનાવણી હાથ ધરાશે.