- કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન એક્ટ લાગૂ કરવાની જાહેરાત કરી હતી
- પરંતુ હજુ તેના 20 મહિના બાદ પણ નિયમો નથી બન્યા
- સંસદમાં સરકારના ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન એક્ટ તો લાગૂ કરવાની જાહેરાત કરી નાંખી હતી પરંતુ હજુ તેના 20 મહિના બાદ પણ હજુ સુધી તેના નિયમો તૈયાર નથી થઇ શક્યા.
આ બાબતે સંસદમાં સરકારના ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી હતી અને સાથોસાથ ગૃહ મંત્રાલયે CAAના નિયમો ડ્રાફ્ટ કરવા માટે બીજા 6 મહિનાનો સમય માંગ્યો છે.
લોકસભામાં કોંગ્રેસના નેતા અને સાંસદ ગૌરવ ગૌગોઈએ આ સંદર્ભમાં સવાલ પૂછ્યો હતો કે, શું કેન્દ્ર સરકારે CAAના નિયમોને નોટિફાય કરવા માટે કોઈ તારીખ નક્કી કરી છે કે કેમ અને જો તારીખ નક્કી કરી હોય તો તે કઈ તારીખ છે અને તારીખ નક્કી ના થઈ શકી હોય તો તેનુ કારણ શું છે?
તેના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યુ હતુ કે, CAAને 12 ડિસેમ્બર,2019ના રોજ નોટિફાય કરવામાં આવ્યો હતો.2020માં તેને કાયદાનુ સ્વરૂપ મળી ચુકયુ છે પણ લોકસભા અને રાજ્યસભાની કમિટીઓ પાસે આ કાયદા હેઠળના નિયમો તૈયાર કરવા માટે જાન્યુઆરી 2020 સુધીનો સમય માંગવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 2019માં CAAને સંસદમાં મુકવામાં આવ્યો હતો. નવા કાયદા હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવનારી લઘુમતિઓ જેવી કે હિન્દુ, સિખ, બૌધ્ધ અને ખ્રિસ્તીઓને ભારતમાં નાગરિકતા આપવાની જાહેરાત થઈ હતી.
જોકે જે તે સમયે દેશમાં તેનો ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ઠેર ઠેર હિંસા પણ થઈ હતી.