ભારતીય હવાઇદળ બનશે વધુ મજબૂત, મળશે 83 નવા તેજસ વિમાનો, સરકારે 48 હજાર કરોડનાં સોદાની આપી મંજૂરી
- ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબૂત બની રહ્યું છે
- ભારતીય હવાઇ દળમાં હવે 83 નવા તેજસ વિમાનો સામેલ થશે
- કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS)એ 48 હજાર કરોડનાં યુદ્વ વિમાન તેજસની ખરીદીની સોદાને મંજૂરી આપી
નવી દિલ્હી: ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબૂત બનવા જઇ રહ્યું છે. ભારતીય હવાઇ દળમાં હવે 83 નવા તેજસ વિમાનો સામેલ થશે. કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS)એ 48 હજાર કરોડનાં યુદ્વ વિમાન તેજસની ખરીદીની સોદાને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCSએ આ સોદાને મંજૂરી આપી દીધી છે.
આ સોદા અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, હવાઇ ક્ષેત્રે દેશને વધુ સક્ષમ અને મજબૂત બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેઓએ આ સોદાને ગેમ ચેન્જર ગણાવ્યો હતો.
આપને જણાવી દઇએ કે તેજસ હવાથી જમીન પર મિસાઇલથી પ્રહાર કરવા માટે સક્ષમ છે. તેમાં એન્ટિશિપ મિસાઇલો, બોમ્બ અને રોકેટ પણ લગાવી શકાય છે. તેજસ 42 ટકા કાર્બન ફાઇબર, 43 ટકા એલ્યુમિનિયમ એલોય તેમજ ટાઇટેનિયમથી બનાવવામાં આવ્યા છે.
HAL એ પહેલેથી જ પોતાના નાસિક અને બેંગલુરૂ સ્થિત પ્લાન્ટમાં તેના નિર્માણ માટેની સુવિધાઓ સ્થાપિત કરી દીધી છે, HAL એલસીએ -એમ કે 1 એ ઉત્પાદનને ભારતીય હવાઇ દળને આપશે, તેમણે કહ્યું કે આજે લેવામાં આવેલો નિર્ણય હાલની એલસીએ તંત્રનો બહોળો વિસ્તાર કરશે, અને નોકરીનાં નવી તકો પેદા કરવામાં મદદ કરશે.
(સંકેત)