- પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાનો મામલો
- CBIએ કરી મોટી કાર્યવાહી
- CBIએ આ મામલે 9 કેસ દાખલ કર્યા
નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા થઇ હતી. તેને મુદ્દે ગુરુવારે CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે 9 કેસ દાખલ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર CBIના તમામ 4 એકમ કોલકાતાથી પોતાની ટીમોને સંબંધિત અપરાધ સ્થળો પર મોકલી રહી છે. તે ઉપરાંત વધુ કેસ નોંધવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને તે પૈકીના અમુક કેસ રાજ્ય સરકારે સોંપ્યા છે. આપને જણાવી દઇએ કે કોલકાતા હાઇકોર્ટની 5 સભ્યોની ખંડપીઠે આ વર્ષના પ્રારંભમાં પશ્વિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદના કથિત દુષ્કર્મ અને હત્યાના કેસની તપાસ CBIને સોંપી છે.
ગત 19 ઑગસ્ટના રોજ કોલકાતા હાઇકોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભારે મોટો આંચકો આપીને ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ CBIને સોંપી દીધી હતી. હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે, CBI કોર્ટના મોનિટરિંગમાં જ તપાસ કરશે. હાઇકોર્ટે કહ્યું હતું કે, હત્યા અને દુષ્કર્મના કેસની તપાસ CBI કરશે, જ્યારે અન્ય કેસની તપાસ SIT કરશે.
નોંધનીય છે કે, માનવાધિકાર આયોગની તપાસ કમિટીએ રિપોર્ટમાં મમતા બેનર્જી સરકારને દોષિત માની હતી. આયોગે રિપોર્ટમાં કહ્યું હતું કે, દુષ્કર્મ અને હત્યા જેવા કેસની તપાસ CBI પાસે કરાવવામાં આવે અને આ કેસની સુનાવણી બંગાળની બહાર થાય.