- દેશમાં સતત વિકટ બની રહેલી કોરોનાની સ્થિતિ
- જો કે કેન્દ્ર સરકારનો દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવાનો કોઇ ઇરાદો નથી
- જો કે રાજ્યોને સલાહ અપાઇ છે કે ટ્રાન્સમિશન તોડવા કડક નિંયત્રણો લાદે
નવી દિલ્હી: દેશમાં કોરોનાની સ્થિતિ સતત વિકટ બની રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દેશવ્યાપી લોકડાઉન કરશે કે નહીં તે અંગે સૌ કોઇ વિચારી રહ્યા છે. પરંતુ સત્તાવાર સૂત્રો અનુસાર, કેન્દ્ર સરકારનો દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવાનો કોઇ ઇરાદો નથી. જો કે રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ અપાઇ છે કે તેઓ ટ્રાન્સમિશનની ચેઇન તોડવા માટે અને કોરોનાના વધતા વ્યાપને નિયંત્રણમાં લાવવા માટે કડક પગલાં લે.
અત્યારે દેશના લગભગ 10 રાજ્યોએ ઓછા-વત્તા પ્રમાણમાં નિયંત્રણો લાગૂ કર્યા છે. આરોગ્ય વિભાગની સલાહ છે કે, 15 ટકાથી વધારે કોરોના પોઝિટિવ રેટ હોય તેવા ઓછામાં ઓછા 150 જીલ્લાઓમાં લોકડાઉન જાહેર કરવામાં આવે.
મહત્વનું છે કે, શનિવારના રોજ દેશભરમાં 3.92 લાખ નવા કેસ નોંધાયા હતા જેમાંથી 73 ટકા કેસ 10 રાજ્યોના છે. આ 10 રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન સામેલ છે. ગત 10 દિવસથી દરરોજ 3 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેના કારણે હોસ્પિટલો, શબઘરો તેમજ સ્મશાનોમાં લાંબી કતારો જોવા મળે છે.
જો કે, કેન્દ્રને બીજી તરફ એ ચિંતા છે કે જો લોકડાઉન લાગૂ કરવામાં આવશે તો અર્થતંત્રને વ્યાપક પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવશે તેમજ અનેક લોકો ફરીથી બેરોજગારી તરફ ધકેલાઇ જશે. જેમાં ખાસ કરીને પ્રવાસી મજૂરોને મોટા પ્રમાણમાં નુકસાન થશે. રાજ્યમાં કેટલાક અને ક્યા પ્રકારના નિયંત્રણો મૂકવા તેની કેન્દ્ર સરકારે રાજ્યોને છૂટ આપી છે.
(સંકેત)