Site icon Revoi.in

અમે ગુજરાતને 15 મે સુધી 16 લાખ રસીના ડોઝ આપીશું: કેન્દ્ર સરકાર

Social Share

નવી દિલ્હી: ગુજરાતમાં વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં આગામી 15 મે સુધીમાં 16 લાખ રસી આપવામાં આવશે. રાજ્યોને રસીના વિતરણ અંગેની એફિડેવિટ દાખલ કરતા કેન્દ્રએ જણાવ્યું હતું કે, ગુજરાતને કેન્દ્ર તરફથી 16,60,010 રસીના ડોઝ ફાળવાશે. જે પૈકી 12,48,700 કોવિશિલ્ડના ડોઝ તેમજ 4,11,490 ડોઝ કોવેક્સીનના રહેશે.

ગુજરાત સરકાર પોતાની રીતે પણ બિનસરકારી માર્ગ દ્વારા 9,67,890 રસીના ડોઝ લઇ શકે છે. આ પ્રકારે બિન સરકારી વેક્સીનના ક્વોટામાંથી ગુજરાત 7,18,650 કોવિશિલ્ડ અને 2,49,240 કોવેક્સીનના ડોઝ મેળવી શકે છે. તો બીજી તરફ ગુજરાત સરકારે સોમવારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે અત્યાર સુધીમાં 12,49,590 કોવિશિલ્ડ અને 2,40,020 કોવેક્સિનના ડોઝ મેળવ્યા છે.

ગુજરાતમાં રવિવારે 18 થી 44 વર્ષની વયના વચ્ચેના આશરે 2.8 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર અનુસાર રાજ્યને 1 મેથી 9 મે દરમિયાન 21.48 લાખ કોવિશિલ્ડ તેમજ 2.49 લાખ કોવેક્સિનના ડોઝ મળ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે ગત 25 એપ્રિલના રોજ તેમણે પુનાની સીરમ ઇન્સ્ટિટ્યુટને કોવિશિલ્ડના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદના ભારત બાયોટેકને 50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે.

(સંકેત)