ઑનલાઇન શિક્ષણ લેતાં બાળકો આ બીમારીનો બને છે શિકાર, તમારા બાળકોમાં આવા લક્ષણો દેખાય તો ચેતી જજો
- બાળકો ઑનલાઇન શિક્ષણને કારણે કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો ભોગ બની રહ્યા છે
- છેલ્લા સવા વર્ષમાં અમદાવાદમાં જ આ બીમારીના કેસ 20 ગણા વધ્યા
- આ પ્રકારની બીમારીમાં તમારા બાળકોમાં આવા લક્ષણો દેખાય તો તમે થઇ જાઓ સાવધ
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે બાળકો છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી ઑનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. ઑનલાઇન શિક્ષણને કારણે સતત મોબાઇલ અને કમ્પ્યુટરમાં ઓતપ્રોત રહેતા આ બાળકો કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ નામની બીમારીનો શિકાર બની રહ્યાં છે અને આ બીમારીના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા સવા વર્ષમાં અમદાવાદમાં જ આ બીમારીના કેસ 20 ગણા વધી ગયા છે.
કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમમાં આંકો શુષ્ક થઇ જવી, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, દ્રષ્ટિમાં ઝાંખપ આવવી એવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. જો કે લોકો તેને ગંભીરતાપૂર્વક નથી લેતા. અન્ય લક્ષણોમાં આંખોમાંથી પાણી પડે, લાઇટની સામે જોવામાં અણગમો થાય, આંખોમાં થાક લાગે, ખંજવાળ આવે તેવા છે.
જો તમારા બાળકોમાં પણ આ પ્રકારના લક્ષણો દેખાય તો તમારે સતર્ક અને સાવધ રહેવું જોઇએ અને આંખોના ડૉક્ટરને બતાવીને સલાહ પ્રમાણે રોગથી બચવાના ઉપચારોને અનુસરવા જોઇએ.
ડોક્ટરના મંતવ્ય પ્રમાણે સતત મોબાઇલ કે લેપટોપ સામે જોવું એ આંખના સ્નાયુઓને પુશ અપ કરાવવા સમાન છે. તેના કારણે આંખોને શ્રમ પડે છે અને આંખોને થાક લાગે છે. આંખોમાં બળતરા થવી અને માથામાં દુખાવો જેવા લક્ષણો પણ દેખાય છે.
હાલમાં માત્ર બાળકો નહીં પરંતુ વર્ક ફ્રોમ હોમ કલ્ચરના કારણે મોટા લોકો પણ કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર જો કમ્પ્યુટર સ્ક્રીન અને યૂઝર વચ્ચે યોગ્ય અંતર ના હોય તો પણ આ સમસ્યા ઉદ્દભવી શકે છે તેથી તેનું તાત્કાલિક નિવારણ આવે તે જરૂરી છે.
(સંકેત)