ચીનની તિબેટમાં પણ તાનાશાહી, હવે તિબેટીયનોને તેની ભાષા-પ્રતિકો અપનાવવા કરી રહ્યું છે મજબૂર
- ચીન હવે તિબેટમાં પણ તાનાશાહી કરી રહ્યું છે
- તિબેટના લોકોને ચીનની ભાષા શીખવા માટે કરી રહ્યું છે મજબૂર
- તે ઉપરાંત તિબેટીયનોને ચીનના પ્રતિક અપનાવવા પણ કરાઇ રહ્યું છે જોર
નવી દિલ્હી: ચીન હવે તિબેટમાં પણ તાનાશાહી કરી રહ્યું છે. ચીન હવે તિબેટમાં પણ પોતાની સંસ્કૃતિ થોપવા માટે તાનાશાહી કરી રહ્યું છે. ચીનના એક અધિકારી અનુસાર તિબેટીયન લોકોએ ચીની ભાષા બોલવા તેમજ લખવા માટે દરેક રીતના પ્રયાસો કરવાની જરૂર છે. સાથે જ તેમણે તિબેટીયનોએ ચીની રાષ્ટ્ર સાથે સંકળાયલા સાંસ્કૃતિક પ્રતિકો અને છબીઓ શેર કરવાની જરૂર છે.
બૌદ્વ નેતાઓના ગૃહ ક્ષેત્ર લ્હાસાના પૈલેસ સામે ચીની આક્રમણની 70મી વર્ષગાંઠે વાંગે આ વાત કરી હતી. ટીકાકારો અનુસાર ચીન દ્વારા તિબેટમાં પોતાની સંસ્કૃતિ થોપવાની કાર્યવાહી પરંપરાગત બૌદ્વ સંસ્કૃતિના પતનનું કારણ બની શકે છે. ચીને તિબેટીયન અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના પોતાના પ્રયત્નો પર પ્રકાશ ફેંકીને નિર્વાસિત દલાઇ લામાને અલગાવવાદી નેતા ગણાવીને તેમની નિંદા કરી હતી.
પોલિત બ્યૂરો સ્થાયી સમિતિના સદસ્ય અને જાતીય અલ્પસંખ્યકો પ્રત્યેની નીતિની દેખરેખ રાખનારા વાંગે જણાવ્યું કે, દલાઈ લામા અને તેમના અનુયાયીઓની ગતિવિધિઓને કચડી નાખવામાં આવી છે. 1951 બાદ તિબેટ અંધકારમાંથી પ્રકાશ તરફ વધી ગયું છે.
ચીને તિબેટમાં પોતાની વિસ્તારવાદી નીતિ જાળવી રાખી છે. તે ત્યાંના લોકોને દેશના આંતરિયાળ ક્ષેત્રોમાં નોકરી માટે મોકલી રહ્યું છે અને ચીની મંદારિન ભાષા શીખવા માટે પણ મજબૂર કરી રહ્યું છે.