Site icon Revoi.in

ચાઇનીઝ હેકર્સ હવે ભારતીય વેક્સિન નિર્માતાઓને બનાવી રહ્યા છે નિશાન

Social Share

નવી દિલ્હી: ભારતની કોરોના વેક્સિનની સમગ્ર વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે અને ભારત અત્યારસુધી વિશ્વના 40થી વધુ દેશોને કોરોના વેક્સિનનું વિતરણ કરી ચૂક્યું છે. જ્યારે ચીનની રસી પર કોઇ દેશને વિશ્વાસ નથી. જેના કારણે ચીનને હવે ભારતની ઇર્ષા થવા લાગી છે. તેથી ચાઇનિઝ સરકારનું સમર્થન પ્રાપ્ત હેકિંગ ગ્રૂપે હવે ભારતીય વેક્સિન નિર્માતાઓને નિશાન બનાવ્યા છે. સાયબર ઇન્ટેલિજન્સ કંપની સાયફર્માએ આ વાત જણાવી છે.

વિશ્વમાં જેટલી પણ વેક્સિન વેચાઇ છે તેમાં ભારતે 60 ટકા કરતા વધારે ઉત્પાદન કર્યું છે. ગોલ્ડમેન સાક્સ બેક્ડ સાયફર્માએ કે જેની ઓફિસ સિંગાપોર અને ટોક્યોમાં છે, તેણે જણાવ્યું હતું કે, સ્ટોન પાંડા તરીકે ઓળખાતું હેકિંગ ગ્રૂપ APT0એ ભારત બાયોટેક અને વેક્સિન બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેન સોફ્ટવેરમાં રહેલી નબળાઇને ઓળખી લીધી છે.

સાયફર્માના ચીફ એક્ઝિક્યુટિવ કુમાર રિતેષ જણાવ્યું હતું કે, આ પાછળનો ખરો હેતું ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સાથે ચેડા કરવાનો અને ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામેની સ્પર્ધામાં ફાયદો મેળવવાનો છે. કુમાર રિતેષ અગાઉ બ્રિટિશ ફોરેન ઈન્ટેલિજન્સ એજન્સી MI6ના ટોચના સાયબર અધિકારી રહ્યા હતા.

ભારતમાં બે વેક્સિન બની રહી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે જ્યારે ભારત બાયોટેકે સરકારના સહયોગથી કોવેક્સિન નામની વેક્સિન તૈયાર કરી છે. રિતેષે જણાવ્યું હતું કે, APT10 દ્વારા સીરમને નિશાન બનાવવામાં આવી હતી. સીરમ ઈન્સ્ટિટ્યુટના કેસમાં તેમણે એવા ઘણા પબ્લિક સર્વર્સ ઓળખી કાઢ્યા હતા જે નબળા વેબ સર્વર્સ છે. આ વેબ સર્વર્સને હેક કરી શકાય છે.

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જ્યારે સીરમ અને ભારત બાયોટેકે પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી.

(સંકેત)