Site icon Revoi.in

ટૂંકમાં બંને ડોઝમાં કોવિશિલ્ડ, કોવેક્સિન સહિતની રસીઓનું થશે ટ્રાયલ

Social Share

નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન, અનેક લોકોએ બે અલગ અલગ રસીના ડોઝ લીધા હોવાના પણ અહેવાલ છે. જો કે તેની કોઇ આડઅસર હજુ બહાર નથી આવી. પરંતુ, સરકાર અને વહીવટી તંત્ર હવે આ વિશે વિચારણા શરૂ કરવા જઇ રહી છે. આગામી સપ્તાહમાં કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પુતનિક સહિત 8 વેક્સિનનું ટ્રાયલ થઇ શકે છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર રાષ્ટ્રીય તકનિકી સલાહકાર જૂથ ઑન ઇમ્યુનાઇઝેશન હેઠળ કાર્યરત કોવિડ-19 વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડૉ.એન.કે. અરોરાએ કહ્યું હતું કે, આ ટ્રાયલ થકી રોગપ્રતિકારક શક્તિને વધુ વેગ મળી શકે છે કે કેમ તે શોધવા માટે બે જુદી જુદી રસીઓની ટ્રાયલ કરવામાં આવશે.

ડૉ. અરોરાએ કહ્યું હતું કે અમે આવી 2 રસીના સંયોજનની શોધમાં છીએ, જે સારા પરિણામ આપી શકે છે. હાલમાં જે રસીઓ ઉપયોગમાં લેવાય છે તે ગંભીર રોગો સામે રક્ષણ પૂરું પાડી રહી છે, પરંતુ ચેપ અને વાયરસથી આપણે જે અપેક્ષા રાખીએ છીએ તે પૂરી પાડવામાં સક્ષમ નથી. અત્યારે થોડીક બાબતો પર પરીક્ષણ કરવાની આવશ્યકતા છે. બંને રસીઓ તેની જગ્યાએ સંપૂર્ણપણે સલામત છે, પરંતુ પરીક્ષણ થવું છે કે શું બંને રસીને ભેળવીને આપી શકાય. આ બંને રસી જુદી જુદી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે.

હાલમાં દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન આપવામાં આવી રહી છે. ભારત જૂનના બીજા અઠવાડિયામાં રશિયાની સ્પુટનિક રસી મેળવી શકે છે. પ્રથમ તબક્કામાં, કોવિશિલ્ડ અને કોવેક્સિનને ટ્રાયલમાં સમાવી શકાય છે. આ પછી, સ્પુટનિક સહિત 8 રસી પણ પરીક્ષણમાં સામેલ કરવામાં આવશે.

તાજેતરમાં, દેશભરમાં કોરોના રસીની અછત હોવાના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે તેની ખરીદીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જુલાઈના અંત સુધીમાં રસીના 20-25 કરોડ ડોઝ ખરીદશે. આ પછી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 30 કરોડ ડોઝની ખરીદી કરવામાં આવશે.