- ભારતમાં આજે પણ રસ્તાઓ પર 15 વર્ષ જૂના વાહનો દોડી રહ્યા છે
- આ જૂના વાહનોને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે
- આ વાહનો પર અંકુશ લેવા માટે સરકાર હવે તેની પર ગ્રીન ટેક્સ વસૂલશે
નવી દિલ્હી: ભારતમાં દિવસે દિવસે ભલે નવી કારનું લોન્ચિંગ થતું હોય પરંતુ ભારતમાં હજુ પણ રસ્તાઓ પર 15 વર્ષ કરતા જૂના ચાર કરોડ વાહનો દોડી રહ્યા છે. હવે સરકાર તેના પર ગ્રીન ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. આવા જૂના વાહનોના આંકડાઓનું કેન્દ્ર સરકારે આધુનિકીકરણ કર્યું છે. જો કે તેમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણાના વાહનોનો આંકડો બાકી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 15 વર્ષ કે તેથી જૂના વાહનોને કારણે ભારે પ્રદૂષણ ફેલાતું હોય છે. આવા વાહનોને અંકુશમાં લઇને પ્રદૂષણને ઘટાડવા માટે સરકાર તેના પર ગ્રીન ટેક્સ લગાવવા માંગે છે. આ પ્રસ્તાવને રાજ્યો સમક્ષ વિચારણા માટે મોકલી અપાયો છે.
દેશના દરેક રાજ્યમાં અને શહેરમાં પ્રદૂષણની માત્રાના આધારે ગ્રીન ટેક્સ વસૂલવા માટે સરકારની વિચારણા છે. આ ગ્રીન ટેક્સ વાહનના રજિસ્ટ્રેશન ફીના 10 થી 50 ટકા સુધી હોઇ શકે છે. દેશમાં કર્ણાટકમાં 15 વર્ષ કરતાં જૂના વાહનોની સંખ્યા 70 લાખ છે. ઉત્તર પ્રદેશમાં 56 લાખ, રાજધાની દિલ્હીમાં 49 લાખ, કેરળમાં 34 લાખ, તામિલનાડુમાં આવા 33 લાખ, પંજાબમાં 25 લાખ વાહનો છે.
દેશના અન્ય રાજ્યોની વાત કરે તો પશ્વિમ બંગાળમાં 22 લાખ તેમજ મહારાષ્ટ્ર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં આવા વાહનોની સંખ્યા 12 થી 17 લાખની વચ્ચે થાય છે. જ્યારે ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ, પોંડિચરી, આસામ, બિહાર, ગોવા, ત્રિપુરા અને દાદરા નગર હવેલીમાં આવા વાહનોની સંખ્યા 1લાખથી 5 લાખની વચ્ચે છે.
(સંકેત)