Site icon Revoi.in

કોરોનાને કારણે પ્રજાસત્તાક દિવસ પર પરેડ માટે ગાઇડલાઇન જાહેર કરાઇ

Social Share

નવી દિલ્હી: દેશમાં પ્રજાસત્તાક દિવસ પર થતી પરેડ દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, પરંતુ આ વખતે 26મી જાન્યુઆરીની પરેડ કોરોના મહામારીની અસર હેઠળ અલગ રહેશે. દિલ્હીના રાજપથ પર નીકળતી શાનદાર પરેડ માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જારી કરી છે અને એના પાલન માટે સખત પગલા લેવાની તાકીદ કરેલ છે.

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પરેડ મુદ્દે જારી કરેલી ગાઇડલાઇન મુજબ પરેડના અંતરને અડધાથી ઓછુ કરી દેવામાં આવ્યું છે. જેમાં પરેડ વિજય ચૌકથી શરુ થઇને નેશનલ સ્ટેડિયમ પર ખતમ થઇ જશે. આ પહેલા પરેડ લાલ કિલ્લા સુધી પહોંચતી હતી. એટલે કે વિજય ચોકથી લાલ કિલ્લાનું અંતર 8.2 કિમી છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લીધે પરેડ માત્ર 3.3 કિમીમાં જ સમાપ્ત થશે.

ગણતંત્ર દિવસની પરેડમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું ફરજીયાત પાલન પણ કરવામાં આવશે. દરેક પરેડમાં માર્ચિંગ કન્ટિજેન્ટમાં 144 સૈનિકો હોય છે, પરંતુ આ વખતે માત્ર 96 સૈનિકોનો સમાવેશ કરાયો છે. જે પરેડ 12/12ની સાઇઝના કન્ટિજેન્ટમાં થતી હતી, એ આ વર્ષે 8/12ના માર્ચિંગ કન્ટિજેન્ટમાં થશે. આ સિવાય રાજપથ પર પરેડ નિહાળવા આવતા લોકોની સંખ્યામાં પણ ઘણો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. દરેક વખતે પરેડને નિહાળવા માટે આશરે 1,15,000 લોકો આવતા હતા પરંતુ કોરોના કાળમાં આ વર્ષે માત્ર 25 હજાર લોકોને પરેડ નિહાળવા માટે સામેલ કરી શકાશે.

ટિકિટ ખરીદીને પરેડ નિહાળતા લોકોને આ વર્ષે ટિકિટ મળવી પણ મુશ્કેલ લાગે છે કારણ કે દર વર્ષે 32000 ટિકિટ વેચાણમાં આવતી જ્યારે આ વર્ષે માત્ર 7500 ટિકિટ જ વેચાણમાં મૂકવામાં આવશે. મીડિયા કર્મીઓની સંખ્યા પણ 2500થી ઘટાડીને 750 કરી દેવામાં આવી છે. આ સિવાય શાળાના બાળકો, દિવ્યાંગો અને 50 દિવ્યાંગ વયક્સોની બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

(સંકેત)