- ત્રીજી લહેરનું બાળકો પર તોળાતું સંકટ
- રાષ્ટ્રીય બાળ આયોગ એક્શનમાં
- રાજ્યો પાસે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે અહેવાલ માગ્યો
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર હજુ સંપૂર્ણપણે ગઇ નથી ત્યાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વધી છે. ત્રીજી લહેરમાં નાના ભૂલકાઓથી લઇને 15 વર્ષ સુધીના બાળકોને અસર કરે તેવી તેવી સંભાવના છે. બાળકો પર છવાયેલા સંકટના વાદળોને લઇને બાળ આયોગ વિભાગ હવે સક્રિય થયું છે અને ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવાની તૈયારી આરંભી છે.
આરોગ્ય નિષ્ણાતો અનુસાર ત્રીજી લહેર દેશ માટે જોખમી છે અને થોડા દિવસો પછી દેશ ત્રીજી લહેરથી સંક્રમિત થઇ શકે છે. ત્રીજી લહેરના કારણે દેશના 35 ટકા લોકો સંક્રમિત થઇ શકે છે. તે ઉપરાંત આ લહેરનો સૌથી વધુ શિકાર બાળકો અને કિશોરો બનશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઇ છે.
આ તમામ શકયતાઓને પગલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ(NCPR)હવે સક્રિય થયું છે. અને, દેશના તમામ રાજ્યોને એક સપ્તાહની અંદર બાળકો માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડાઓ બાળ આયોગમાં જમા કરવાનો આદેશ આપ્યો છે.
NCPRના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ જણાવ્યું હતું કે હાલ દેશમાં આરોગ્યને લઇને સ્થિતિ શું છે, તે કોરોનાની બીજી લહેરમાંમાં સ્પષ્ટ થઇ ગયું છે. ત્યારે આવી સ્થિતિમાં દેશના બાળકો પર તોળાઇ રહેલા સંકટ વચ્ચે મેડિકલ સાધનોની અછતને પહોંચી વળવું અનિવાર્ય છે.
બીજી લહેરમાં જે ઈન્ફ્રાસ્ટ્રકચર છે તે હાલમાં પણ ચાલુ કે પર્યાપ્ત સ્થિતિમાં નથી. તેનું મુખ્ય કારણ મેડિકલ સિસ્ટમમાં ટેક્નિશિયનની ભારે અછત અને બેદરકારીભર્યુ વલણ છે. સેકન્ડ વેવ દરમિયાન ઘણા એવા મામલાઓ પ્રકાશમાં આવ્યા, જ્યારે વેન્ટિલેટર રાજ્યોમાં ધૂળ ખાતા રહ્યાં, કેટલાક વેન્ટીલેટર રિપેરિંગના અભાવે ચાલુ થઈ શકયા ન હતા.
આયોગે વિગતો સાથેનું ફોર્મ મોકલ્યું છે, અને, દરેક રાજ્યોની પાસે આંકડાકીય માહિતી માંગી છે
આયોગે એક એક વિસ્તૃત ફોર્મ દરેક રાજ્યોને મોકલી આપ્યું છે. તેમાં બાળકોની સારવાર માટે કુલ હોસ્પિટલ, નર્સિંગ હોમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડોક્ટર, નર્સોના આંકડા સહિતની વિગતો આપવા જણાવાયું છે.
2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધારે લગાવવામાં આવેલા અનુમાન મુજબ 0-4 વર્ષ સુધીના બાળકોની વસ્તી લગભગ 11 કરોડથી વધુ એટલે કે કુલ વસ્તીના લગભગ 11 ટકા છે. 12 કરોડથી વધુ વસ્તી 5-9 વર્ષ સુધીના બાળકોની છે. એટલે કે કુલ વસ્તીના લગભગ 12.5 ટકા છે. 10થી 14 વર્ષ સુધીના બાળકોની વસ્તી હાલ પણ 12 કરોડથી વધુ છે એટલે કે લગભગ 12 ટકા.