Site icon Revoi.in

અલગ-અલગ રસીના બે ડોઝ વૈજ્ઞાનિક રીતે શક્ય, જો કે ગહન અભ્યાસની આવશ્યકતા છે

Social Share

નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં સમગ્ર ભારતમાં બે અલગ અલગ કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સરકારે સ્પષ્ટતા કરી છે કે, એક જ વ્યક્તિને બે અલગ-અલગ વેક્સિનના ડોઝ લેવાથી નોંધપાત્ર અસરના કોઇ કેસ સામે નથી આવ્યા. જો કે આ મુદે ગહન અભ્યાસની આવશ્યકતા છે.

નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યું હતું કે, બે અલગ અલગ વેક્સિનના ડોઝ વૈજ્ઞાનિક અને સૈદ્વાંતિક રીતે શક્ય છે. કોઇ એક વ્યક્તિ રસીનો પહેલો ડોઝ અલગ કંપની દ્વારા વિકસિત રસીનો લીધા બાદ અન્ય કંપની દ્વારા વિકસિત રસીનો બીજો ડોઝ લઇ શકે છે. જે વૈજ્ઞાનિક અને સૈદ્વાંતિક શક્ય છે. પરંતુ આ સ્થિતિ વિકસિત પરિસ્થિતિ છે અને આ અંગે ખાસ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. આ પરિસ્થિતિ આવનારા સમય પર આધાર રાખે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલમાં ત્રણ કોરોના વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને સિરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ વેક્સિન સામેલ છે. આ બંને કોરોના વેક્સિન ભારતમાં જાન્યુઆરીથી શરુ કરાયેલા રસીકરણ અભિયાનમાં ઉપયોગમાં લેવાઇ રહી છે. જ્યારે તાજેતરમાં જ રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિકને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી મળી છે.