- કોરોના કાળમાં સરકારી કર્મચારીઓ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા
- હવે કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિને પહેલાની જેમ બહાલ કરવામાં આવી
- હવે તમામ કાર્ય દિવસમાં કર્મચારીઓએ ઓફિસમાં હાજર રહેવું પડશે
નવી દિલ્હી: કોરોના કાળના કારણે સરકારી કર્મચારીઓ માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જો કે હવે કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિને પહેલાની જેમ બહાલ કરવામાં આવી રહી છે. આ જ કડીમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગએ એક નવો આદેશ બહાર પાડ્યો છે અને હવે તમામ કાર્ય દિવસમાં કર્મચારીઓએ ઓફિસમાં હાજર રહેવું પડશે. એટલે કે હવે વર્ક ફ્રોમ હોમની સુવિધા બંધ કરવામાં આવી છે. નવા આદેશોને તત્કાળ પ્રભાવથી લાગુ કરાયા છે.
નવા આદેશ અનુસાર તમામ સ્તરના કર્મચારીઓએ હવે તમામ વર્કિંગ ડેઝમાં ઓફિસમાં હાજર રહેવાનું છે અને કોઇપણ શ્રેણીના કર્મચારીઓને કોઇ છૂટછાટ રહેશે નહીં. આગામી આદેશ સુધી બાયોમેટ્રિક હાજરી સસ્પેન્ડ રખાઇ છે. અધિકારી અને કર્મચારી કે જે કોરોના સંક્રમિત વિસ્તારોમાં રહે છે, તેઓ ઘરેથી જ કામ કરશે અને દરેક સમયે ટેલિફોન અને સંચારના ઇલેક્ટ્રોનિક સાધનોના માધ્યમથી જોડાયેલા રહેશે.
આદેશમાં કહેવાયું છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મિટિંગ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ પૂરી કરવામાં આવે અને મહેમાનો સાથે વ્યક્તિગત બેઠકોથી જ્યાં સુધી જાહેર હિતમાં સંપૂર્ણ રીતે જરૂરી ન હોય ત્યાં સુધી બચવું જોઈએ. જો કે વિભાગીય કેન્ટિન ખોલવા પર લાગેલી રોક હટાવવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે અગાઉ કોરોના મહામારીને કારણે કેન્દ્રીય કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે છૂટ આપવામાં આવી હતી. ગત વર્ષે મે મહિનામાં ઉપસચિવ સ્તરથી નીચેના 50 ટકા કર્મચારીઓને જ કાર્યાલય બોલાવવાનો નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોરોના વાયરસને રોકવા માટે અલગ અલગ કાર્યાલય સમય પણ લાગુ કરાયા હતા. બધુ મળીને એક એવી વ્યવસ્થા ઊભી કરાઇ હતી કે અડધા કર્મચારીઓને કાર્યાલય બોલાવવામાં આવતા હતા અને અડધા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું હતું.
(સંકેત)