સાવધ રહો, ભારતમાં શરૂ થઇ ચૂકી છે કોરોનાની ત્રીજી લહેર, હૈદરાબાદના આ વૈજ્ઞાનિકો કર્યો દાવો
- ભારતમાં ત્રીજી લહેરની થઇ ગઇ છે શરૂઆત
- હૈદરાબાદ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રીનો ચોંકાવનારો દાવો
- 4 જુલાઇથી કદાચ ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે
નવી દિલ્હી: દેશભરમાં ફરી એકવાર કોરોના માથુ ઉંચકી રહ્યો છે. દેશમાં સંક્રમણના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. આ બધા વચ્ચે હૈદરાબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા એક ભૌતિકશાસ્ત્રીએ ચિંતાજનક દાવો કર્યો છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર કદાચ 4 જુલાઇથી શરૂ થઇ ગઇ છે.
કોરોના સંક્રમણ અને તેનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પર અધ્યયન કરનારા ડૉ વિપિન શ્રીવાસ્તવ અનુસાર 4 જુલાઇની તારીખ આ વર્ષના ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ જેવી લાગે છે જ્યારે બીજી લહેર શરૂ થઇ હતી. વૈજ્ઞાનિકોના વિશ્લેષણ અનુસાર જ્યારે પણ સંક્રમણથી રોજના મૃત્યુના કેસના વધવાની પ્રવૃત્તિથી ઘટવાની પ્રવૃત્તિ તરફ વધે છે અથવા તો તેનાથી વિપરિત વધે છે તો ડેઇલી ડેથમાં ઝડપથી ઉતાર ચડાવ થાય છે.
શ્રીવાસ્તવે 24 કલાકના સમયગાળામાં સંક્રમણથી મૃત્યુના કેસ અને સમયગાળામાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યાના પ્રમાણનો અભ્યાસ કર્યો અને તેને DDL નામ આપ્યું. તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના અંતમાં આપણે DDLમાં આ ઉતાર ચડાવ શરૂ થતો જોયો હતો. જો કે તે સમયે સંક્રમણથી મૃત્યુના કેસ 100ના ક્રમમાં કે તેનાથી ઓછા હતા.
આપણે હવે DDL નકારાત્મક જળવાઇ રહે તે જ આશા રાખવી જોઇએ. બીજી લહેરના ભયાનક સ્વરૂપને જોયા બાદ જનતા અને પ્રશાસને વધુ સાવધાની વર્તવી પડશે અને નવી લહેરની શરૂઆતના કોઇપણ સંશય પર ખૂબ જ સતર્કતા રાખવી પડશે.
મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં વેક્સિનના કુલ 12,35,287 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ અત્યારસુધીમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા 37,73,52,501 પર પહોંચી છે. દેશમાં હાલમાં કોરોનાથી રિકવરી રેટ 97.22 ટકા થયો છે.