Site icon Revoi.in

તારીખ..પે..તારીખ: હાલમાં દેશની કોર્ટમાં 4 કરોડ કેસ છે પેન્ડિંગ

Social Share

નવી દિલ્હી: કોર્ટના કેસમાં લોકો તારીખ પે તારીખ..નામનો ડાયલોગ્સ અનેકવાર સાંભળી ચૂક્યા છે. ફિલ્મનો આ ડાયલોગ વાસ્તવિક જીવનમાં પણ ભારતમાં કરોડો પેન્ડિંગ કોર્ટ કેસનું ચિત્ર દર્શાવે છે. દેશની કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા ઘણી વધારે છે, જ્યારે હવે કોરોના સંક્રમણને કારણે આ સંખ્યા વધુ વધી ગઇ છે. દેશમાં પેન્ડિંગ કેસોની સંખ્યા 4.4 કરોડને વટાવી ગઇ છે.

આંકડાની દ્રષ્ટિએ આ અત્યારસુધીમાં સૌથી વધુ પેન્ડિંગ કેસ છે. સુપ્રીમ કોર્ટથી માંડીને લોઅર કોર્ટ સુધીની તમામ જગ્યાએ પેન્ડિંગ કેસની સંખ્યા ઉતરોઉતર વધી છે. ગત વર્ષે માર્ચની તુલનામાં આ વર્ષે સંખ્યામાં 19 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે, જ્યારે માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત કરાઇ હતી, ત્યારે જરૂરી કેસોની સુનાવણી ફક્ત ઑનલાઇન કરાઇ હતી.

આ દરમિયાન, કોર્ટમાં પહેલાથી જ પેન્ડિંગ કેસોમાં 70 લાખથી વધુ કેસનો ઉમેરો થયો હતો. માર્ચ 2020માં પેન્ડિંગ કેસની સંખ્યા 3.68 કરોડ હતી. ભારતીય ન્યાય પ્રણાલી સામે આ એક મોટો પડકાર છે.

કોરોના સંક્રમણને કારણે જે પડકાર ઉપસ્થિત થયો છે તે ડિજીટલ તરફ વળવાનો પડકાર છે. હાલની સ્થિતિ બાદ ન્યાયાધીશોની ખાલી જગ્યાએ પણ ચિંતામાં વધારો કર્યો છે. દેશની 25 હાઇકોર્ટમાં 400થી વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે. તે જ રીતે, નીચલી અદાલતોમાં 5000 થી વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે.

NITI આયોગે વર્ષ 2018માં કહ્યું હતું કે, કેસના નિકાલની ગતિ જોતા બેકલોગને ક્લિયર કરવામાં 324 વર્ષનો સમય લાગશે. આ તે સમયે કહેવામાં આવ્યું હતું કે જ્યારે પેન્ડિંગ કેસની સંખ્યા 2.9 કરોડની નજીક હતી.

30 વર્ષથી વધુ જુના કેસોની સુનાવણીના કિસ્સામાં છેલ્લા બે વર્ષમાં 61% નો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2018માં 65,695 કેસ હતા જ્યારે જાન્યુઆરી 2021 માં આવા કેસની સંખ્યા વધીને 1,05,560 થઈ ગઈ છે.

(સંકેત)