- ચિત્તોડગઢ જીલ્લા કલેક્ટરના કબ્જામાં રહેલ 56 કિલો સોનાના વિવાદનો અંત
- આજે આ વિવાદને લઇને પાંચમી વખતે કોર્ટમાં સુનાવણી થઇ હતી
- કોર્ટે અંતે આ સોના પર કેન્દ્ર સરકારનો અધિકાર માન્ય રાખ્યો હતો
ઉદયપુર: ચિત્તોડગઢ જીલ્લા કલેક્ટરના કબજામાં રહેલા 56 કિલો સોનાનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. આ વિવાદને લઇને કોર્ટે પાંચમીં વખત સુનાવણી કરી હતી. કોર્ટે અંતે આ સોના પર કેન્દ્ર સરકારનો અધિકાર માન્ય રાખ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચિત્તોડગઢ જીલ્લાના છોટી સાદડી ગામના આંજના પરિવારને વર્ષ 1965માં લાલ બહાદુર શાસ્ત્રીની સુવર્ણતુલા માટે 56 કિલો સોનું જીલ્લા પ્રશાસનને આપ્યું હતું. લાલ બહાદુર શાસ્ત્રી ત્યારે વડાપ્રધાન હતા અને છોટી સાદડીની મુલાકાતે આવવાના હતા. એ વખતે છોટી સાદડીના મોટા વેપારી ભૈરોલાલ આંજનાએ વડાપ્રધાનની સુવર્ણતુલા કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને તે માટે જરૂરી પ્રક્રિયાના ભાગરૂપે સ્થાનિક સરકાર સમક્ષ સોનાનો જથ્થો જમા કરાવ્યો હતો.
પરંતુ છોટી સાદડીની એ મુલાકાત પહેલાં જ શાસ્ત્રીનું નિધન થયું. એ પછી સુવર્ણતુલા ન થઈ એટલે શાસ્ત્રીજીના વજન જેટલું ૫૬ કિલો સોનું આંજના પરિવારે જિલ્લા વહીવટી તંત્રને આપ્યું હતું એ પાછું મેળવવાની અરજી કરી. વારંવારની રજૂઆત પછી પણ વડાપ્રધાનની સુવર્ણતુલા કરાવવા આપેલું સોનું પાછું ન મળ્યું એટલે આંજના પરિવારે કોર્ટના દ્વાર ખટખટાવ્યા.
આંજના પરિવારે વર્ષો સુધી પાંચ-પાંચ વખત છેક હાઈકોર્ટ સુધી કાયદાકીય લડત આપી હતી. જુદી જુદી કોર્ટે અલગ અલગ ચુકાદામાં સોના પર સરકારનો અધિકાર હોવાનો ચુકાદો આપ્યો હતો. ઉદયપુરની કોર્ટે વધુ એક ચુકાદામાં એ સોના પર કેન્દ્ર સરકારનો અધિકાર હોવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સોના પર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગનો અધિકાર હોવાનું કહ્યું હતું.
(સંકેત)