- હાલમાં ભારત બાયોટેક સરકારને 150 રૂપિયાના ભાવે વેક્સિન આપી રહી છે
- જો કે લાંબા સમય સુધી ડોઝ દીઠ 150 રૂપિયા ભાવે વેક્સિન આપવી શક્ય નથી
- ખર્ચને પહોંચી વળવા ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી આવશ્યક છે: ભારત બાયોટેક
નવી દિલ્હી: હાલમાં ભારત બાયોટેક કેન્દ્ર સરકારને ડોઝ દીઠ 150 રૂપિયાના ભાવે કોવેક્સિન સપ્લાય કરી રહી છે જો કે હવે તેની કિંમતને લઇને ભારત બાયોટેકનું એક નિવેદન સામે આવ્યું છે. ભારત બાયોટેક અનુસાર લાંબા સમય સુધી ડોઝ દીઠ 150 રૂપિયા ભાવે કેન્દ્ર સરકારને કોવેક્સિન સપ્લાય કરી શકાતી નથી. ખર્ચને પહોંચી વળવા ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી આવશ્યક છે.
કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્રને સપ્લાય કરવામાં આવતા દરને કારણે ખાનગી ક્ષેત્ર માટેના ભાવ માળખામાં વધારો થઈ રહ્યો છે.
કેન્દ્ર સરકાર રાજ્યોની ખરીદીનો 25 ટકા હિસ્સો આગામી સપ્તાહે લેશે ત્યારે કંપનીનું આ નિવેદન સામે આવ્યું છે. ભારત બાયોટેક રાજ્ય સરકારોને 400 રૂપિયા અને ડોઝ દીઠ રૂ. 1200 ખાનગી હોસ્પિટલોને આપી રહી છે. પરંતુ હવે ભારત સરકાર કુલ ઉત્પાદનોનો 75 ટકા હિસ્સો ખરીદશે, જેના માટે કંપનીએ ડોઝ દીઠ 150 રૂપિયા આપવાના છે.
ભારતમાં ખાનગી ક્ષેત્રની ઉપલબ્ધ અન્ય COVID-19 રસીઓની તુલનામાં કોવેક્સિનના (Covexin) ઉંચા ભાવને યોગ્ય ગણાવતા, ભારત બાયોટેકે કહ્યું કે આના ઘણા મૂળભૂત વ્યવસાયિક કારણો છે જેમ કે નીચા વોલ્યુમ પ્રાપ્તિ, વિતરણની ઉંચી કિંમત અને છૂટક નફો.
ભારત બાયોટેક કંપનીએ કહ્યું કે, ભારત સરકારને ડોઝ દીઠ રૂ. 150 પર કોવેક્સિનની (Covexin)સપ્લાય કરવી એ બિન-સ્પર્ધાત્મક કિંમત છે અને આ કિંમત લાંબાગાળે સ્પષ્ટ રીતે ટકાઉ નથી.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે ખર્ચને આવરી લેવા માટે ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી જરૂરી છે.