Site icon Revoi.in

કોરોના રસીકરણ અભિયાન, UKને પાછળ રાખીને વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચ્યું

Social Share

નવી દિલ્હી: હાલમાં ભારતમાં કોરોના રસીકરણ અભિયાનનું બીજું ચરણ ચાલી રહ્યું છે. કોરોના વેક્સિનેશન મામલે ભારત હવે યૂકેને પાછળ મૂકીને ત્રીજા ક્રમાંકે પહોંચી ગયું છે. ભારત કરતાં આગળ અમેરિકા અને ચીન છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13 લાખ 60 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આમ કુલ વેક્સિનેશનનો આંક 2.44 કરોડે પહોંચ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,921 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 133 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,62,707 થઇ ગઇ છે.

આ ઉપરાંત, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 9 લાખ 20 હજાર 46 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 20,652 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,84,598 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,58,063 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 9 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,34,79,877 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 7,63,081 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 581 નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 1,80,507 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં 453 દર્દીઓ સાજા થઈને પરત ઘરે ગયા છે. અમદાવાદ અને સુરત શહેરમાં કેસની સંખ્યા વધતા ચિંતા વધી રહી છે.

(સંકેત)