- ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા
- બાળકોને સુરક્ષિત રાખવા માટે બાળકો માટેની કોરોના વેક્સિન પર કામ પૂરજોશમાં ચાલુ
- આ વર્ષના અંત સુધીમાં બાળકો માટેની વેક્સિનને મળી શકે છે લાયસન્સ
નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા છે અને આ લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાન આશંકા સેવાઇ રહી છે ત્યારે બાળકો માટે કોરોના વેક્સિનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જેથી બાળકોનું આરોગ્ય જોખમાય નહીં. વેક્સિન નિર્માતા ભારત બાયોટેક એની કોરોના વેક્સિનની ટ્રાયલ જૂનમાં બાળકો પર શરૂ કરી શકે છે.
આપને જણાવી દઇએ કે કંપનીને 2 થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલની મંજૂરી સરકાર પાસેથી પહેલા જ પ્રાપ્ત થઇ ચૂકી છે. ભારત સરકારે 12મે રોજ આ માટેની મંજૂરી આપી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ 10થી 12 દિવસમાં શરૂ થશે. DCGIની નિષ્ણાંતોની ટીમની ભલામણ બાદ આ મંજૂરી અપાઇ હતી.
ભારતની આ પ્રથમ વેક્સિન હશે, જે બાળકોને અપાશે. કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ એડવોકેસી હેડ ડૉ. રાચેસ એલાએ કહ્યુ હતું કે, વેક્સિનને આ વર્ષના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી મંજૂરી મળવાની સંભાવના છે.
બીજી તરફ અનેક રાજ્યોમાં રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા માટેનું આયોજન કરાયું છે.
જોકે રસીકરણ મહાઅભિયાન તેજ કરવાના ભાગરૂપે હવે 10 શહેરોમાં રોજના 1 લાખ ડોઝની ફાળવણી કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે સરકારે કમર કસી છે.