- દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર
- દેશમાં 2-17 વર્ષના બાળકો માટે આવી શકે છે વેક્સિન
- સીરમની કોવોવેક્સના 2-3 તબક્કા માટેનો માર્ગ મોકળો બન્યો
નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં 2 થી 17 વર્ષના બાળકો માટે સકારાત્મક સમાચાર છે. બાળકો માટે જલ્દી કોવિડ વેક્સિન બજારમાં આવી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોરોના વેક્સિન કોવોવેક્સના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટેનો માર્ગ હવે મોકળો બન્યો છે. CDSCOની એક સમિતિએ કેટલીક શરતો સાથે આ ટ્રાયલને મંજૂરી આપવા માટે ભલામણ કરી છે.
આ ટ્રાયલમાં 10 સાઇટ પર 12-17 વર્ષના 920 બાળકો તેમજ 2-11 આયુવર્ગના પ્રત્યેકમાં 460 બાળકોને સામેલ કરાશે. ગત સપ્તાહે SIIના ડાયરેક્ટર પ્રકાશકુમાર સિંહ અને ડાયરેક્ટર ડૉ. પ્રસાદ કુલકર્ણીએ સમિતિ સામે સંશોધિત અરજી આપી હતી.
આ અરજીમાં કહેવાયું છે કે કોરોના મહામારી વચ્ચે બાળકો હજુ પણ અસુરક્ષિત છે. આવામાં તેમના માટે રસી તૈયાર કરવા માટે સરકારે ટ્રાયલને મંજૂરી આપવી જોઈએ. કંપનીએ એ રિપોર્ટનો પણ હવાલો આપ્યો જેમાં કહેવાયું હતું કે કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને નુકસાન થઈ શકે છે.