- વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે
- DGCAએ ભારતમાં શિડ્યુલ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સનાં આવાગમન પર 31 ઑગસ્ટ, 2021 સુધી પ્રતિબંધ વધાર્યો
- જો કે દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ ચાલુ રહેશે
નવી દિલ્હી: કોરોના મહામારીને જોતા વિદેશ મુસાફરી કરવા માંગતા લોકોએ હજુ વધુ સમય સુધી રાહ જોવી પડશે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનએ ભારતમાં શિડ્યુલ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સનાં આવાગમન પર 31 ઑગસ્ટ, 2021 સુધી પ્રતિબંધ વધાર્યો છે. જો કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને ખાસ કરીને ઉડ્ડયન નિયમનકાર દ્વારા મંજૂર ફ્લાઇટ્સ પર લાગૂ થશે નહીં. બીજી તરફ પસંદગીના દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ ચાલુ રહેશે.
આપને જણાવી દઇએ કે ગત વર્ષે લાગૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. પરંતુ મે 2020 થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉડાન ભરી રહી છે. વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા મુસાફરોને પરત લાવવામાં આવ્યા છે અને ઘણા દેશો સાથે એર બબલ કરાર કરાયો હતો.
થોડાક સમય પહેલા જ, ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને કહ્યું હતું કે, તમામ એરપોર્ટ ઓપરેટરોએ ખાતરી કરવી જ પડશે કે લોકો એરપોર્ટ પર અને મુસાફરી દરમિયાન માસ્ક યોગ્ય રીતે પહેરે છે. આ સાથે, જ એરપોર્ટ પરિસરમાં સલામત શારીરિત અંતર જાળવવું પડશે.
તે ઉપરાંત DCGAએ એરલાઇન્સને અચાનક તપાસ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. જો એરલાઇન્સ વિમાનની અંદર નિયમોનું પાલન સુનિશ્વિત કરવામાં અસમર્થ હોય તો તેને દંડ પણ થઇ શકે છે.