- બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડના મામલો
- આજે CBIની વિશેષ કોર્ટ આરોપીઓને સજા સંભળાવશે
- સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીસીપીએ શહેરમાં કલમ 144 લાગૂ કરી દીધી છે
નવી દિલ્હી: બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડ મામલે આજનો દિવસ મહત્વનો છે કારણ કે આજે આ હત્યાકાંડમાં 19 વર્ષ બાદ પંચકુલામાં CBIની વિશેષ કોર્ટ ડેરામુખી ગુરમીત રામ રહિમ સિંહ સહિત પાંચેય આરોપીઓને સજા સંભળાવી શકે છે.
આજે મહત્વપૂર્ણ દિવસ હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીસીપીએ શહેરમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. કોઇપણ પ્રકારના ધારદાર હથિયારના વપરાશ પર રોક છે. શહેરમાં કુલ 17 નાકા બંધી કરાશે અને 700 જવાન તૈનાત થશે. CBI કોર્ટ પરિસર અને પ્રવેશદ્વાર પર ITBPની ટૂકડીઓ તૈનાત થશે.
આ હત્યાકાંડનો મુખ્ય આરોપી ડેરામુખ ગુરમીત રામ રહીમ વીડિયો કોન્ફરન્સથી સીબીઆઇ કોર્ટમાં રજૂ થશે. જ્યારે અન્ય ચાર આરોપી કૃષ્ણ કુમાર, અવતાર, જસવીર અને સબદિલને પોલીસ કોર્ટમાં રજૂ કરશે.
અગાઉ આ મામલે 12 ઑક્ટોબરે સજા સંભાળવવાની હતી પરંતુ ગુરમીતે બીમારી અને અન્ય સામાજીક કાર્યોનો હવાલો આપીને દયાની અરજી લખી હતી. દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે 18 ઑક્ટોબર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
નોંધનીય છે કે, રણજીત સિંહ હત્યાકાંડ મામલામાં ગત 8 ઓક્ટોબરે ગુરમીત અને કૃષ્ણા કુમારને કોર્ટે આઈપીસીની કલમ 302(હત્યા), 120 બી (ગુનાહિત ષડયંત્ર રચવા) હેઠળ ગુનેગાર ઠરાવ્યા છે. ત્યારે અવતાર, જસવીર અને સબદિલને કોર્ટે આઈપીસીની કલમ 302 (હત્યા), 120 બી (ગુનાહિત ષડયંત્ર રચવા) હેઠળ ગુનેગાર ઠરાવ્યા છે.