- 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી બાદ ખેડૂતો-પોલીસ વચ્ચે થયું ઘર્ષણ
- આ મુદ્દે પોલીસે અત્યારસુધીમાં 22 FIR દાખલ કરી છે
- ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં 86 પોલીસકર્મી થયા ઇજાગ્રસ્ત
નવી દિલ્હી: કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજયા બાદ પોલીસ સાથે અથડામણ કરતા તોફાનો ફાટી નિકળ્યા હતા. આ મુદ્દે પોલીસે કાર્યવાહી કરતા ટ્રેક્ટર રેલી સંદર્ભે થયેલા તોફાનો મામલે અત્યારસુધીમાં 22 FIR દાખલ કરાઇ છે.
ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે રેલી યોજવા ખાતરી આપી હતી પરંતુ દિલ્હીની સિંધુ, ટિકરી અને ગાઝીપુર સરહદે બેરિકેડ્સ તોડીને પોલીસ સાથે ઘર્ષણ કરી ખેડૂતો છેક આઇટી અને લાલ કિલ્લા સુધી ઘૂસી ગયા હતા. પાટનગર દિલ્હીમાં આટલી હદે હિંસક અથડામણ થશે તેની કોઇને કલ્પના પણ નહોતી. ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં 86 પોલીસકર્મી સહિત 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આગામી સમયમાં વધુ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. દિલ્હી આપાસની સરહદે સૌપ્રથમ બબાલ શરૂ થઈ હતી બાદમાં ખેડૂતો ઉગ્ર બની ગયા હતા અને ટ્રેક્ટર વડે બેરિકેડ્સ તોડી પાડ્યા હતા તેમજ ડીટીસી બસ સહિત આઠ બસો તેમજ 17 ખાનગી વાહનોને હડફેટે લીધા હતા. લાલ કિલ્લા પર સ્તંભ ઉપર ધાર્મિક અને ખેડૂત આંદોલનનો ધ્વજ પણ ફરકાવાયો હતો અને બાદમાં ખેડૂતો પરત ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ખેડૂતો કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેકવાર મંત્રણા થઇ હોવા છત્તાં કોઇ નક્કર સમાધાન કે પરિણામ હજુ સુધી પ્રાપ્ત થયું નથી.
(સંકેત)