- વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી અંગે દિલ્હી હાઇકોર્ટમાં કરાઇ હતી અરજી
- આ અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં આજે થશે સુનાવણી
- ગોપનીયતાની નીતિને તાત્કાલિક અસરથી રોકી દેવા અરજદારની માંગણી
નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી પર દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ સુનાવણી થશે. દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મેસેજિંગ એપની પ્રાઇવસી પૉલિસી આખા દેશના નાગરિકોના ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. અરજી પ્રમાણે વોટ્સએપે પોતાની ગોપનીયતાની પોલિસી બદલી દીધી છે. વોટ્સએપ તરફથી પોતાના નિયમો તેમજ શરતોનો સ્વીકાર કરવાનું યૂઝર્સ માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વકીલ ચૈતન્ય રોહિલ્લાએ અરજી કરીને માંગણી કરી છે કે ગોપનીયતાની નીતિને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે. આ સાથે જ ભારતમાં વોટ્સએપના ઉપયોગ તેમજ લોકોની ગોપનીયતાના અધિકારને ધ્યાનમાં રાખીને દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવે.
અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મંત્રાલયને પણ નિર્દેશ આપવામાં આવે જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે વોટ્સએપ કોઈ પણ ઉદેશ્ય સાથે પોતાના યૂઝર્સને ડેટા ત્રીજા પક્ષકાર, ફેસબુક કે પછી તેની અન્ય કંપનીઓ સાથે શેર ન કરે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ખરેખરમાં તે કોઈ વ્યક્તિની ઑનલાઇન ગતિવિધિની 360 ડિગ્રી પ્રોફાઇલ આપી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિની ખાનગી કે વ્યક્તિગત ગતિવિધિ પર હાલ કોઈ પણ નિયમ કે સરકારના નિરીક્ષણ વગર જ દેખરેખ રાખવામાં આવી રહ્યું છે. હવે વોટ્સએપ યૂઝર્સનો ડેટા દુનિયાના સૌથી મોટા સામાજિક નેટવર્કને આપવા જઈ રહ્યું છે. આ એવી મોટી વેબસાઇટ છે જે દર બીજી વેબસાઇટમાં એમ્બેડ છે.”
મહત્વનું છે કે, વોટ્સએપ તરફથી નવી પોલિસી અંગે બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી અને વોટ્સએપે કહ્યુ હતું કે તેમની તાજેતરની પોલિસી સંદેશ પર કોઇ અસર કરતી નથી. તે ઉપરાંત વોટ્સએપ દ્વારા ડેટાની સુરક્ષા અંગે ફેલાયેલી ચિંતા અને ભ્રમને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
(સંકેત)