- હવે દિલ્હી-લેહ રૂટ પર HRTC બસ સેવાનો થયો પ્રારંભ
- હવે આ રૂટ માટે પ્રવાસીઓએ રૂ.1548 ભાડુ ચૂકવવું પડશે
- અટલ ટનલ રોહતાંગ ખોલ્યા પછી હવે દિલ્હીથી લેહનું અંતર 46 કિલોમીટરથી ઘટીને 1026 કિ.મી રહી ગયું છે
નવી દિલ્હી: હવે દિલ્હી-લેહ રૂટ પર HRTC બસ સેવાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. દેશના સૌથી લાંબા અને સૌથી વધુ ઉંચાઇ ધરાવતા દિલ્હી-લેહ રૂટ પર એચઆરટીસી બસ સેવાનો આજે પ્રારંભ થયો છે. કેલાંગ ડેપોની બસમાં દિલ્હીથી લેહ સુધીની મુસાફરી કરવા માટે પ્રવાસીઓએ રૂ. 1548નું ભાડુ ચૂકવવું પડશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અટલ ટનલ રોહતાંગ ખોલ્યા પછી હવે દિલ્હીથી લેહનું અંતર 46 કિલોમીટરથી ઘટીને 1026 કિ.મી રહી ગયું છે. અગાઉ તે 1072 કિ.મી. હતું. કોરોનાને કારણે, આ માર્ગ લગભગ દોઢ વર્ષ સુધી બંધ રહ્યો હતો.
દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ લેહ જતા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. પોલીસ રેકોર્ડ અનુસાર દરરોજ સરેરાશ 2500 વાહનો મનાલીથી લેહ જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં એચઆરટીસી કેલાંગ ડેપોએ દિલ્હી-લેહ વચ્ચે બસ સેવા શરૂ કરવાનું નક્કી કર્યું છે.
મહત્વનું છે કે, નિગમની બસ 16500 ફુટ ઉંચાં બરફથી આચ્છાદિત સ્ટેશન બરાલાચા, 15547 ફૂટ ઉંચાં નકીલા, 17480 ફૂટ ઉંચાં તંગલંગલા અને 16616 ફૂટ ઉંચા લાચુંગલાને પાર કરીને લેહ પહોંચશે.