- દિલ્હીમાંથી 10 કરોડનું ડ્રગ્સ પોલીસે કર્યું જપ્ત
- દિલ્હી પોલીસ અને રેલવે પોલીસ યુનિટે ડ્રગ્સની ખેપનો ભાંડાફોડ કર્યો
- પોલીસને 10.5 કિલોગ્રામ એન્ફીટામાઇમ ડ્રગ મળી આવ્યું છે
નવી દિલ્હી: ભારતમાં મોટા પાયે ડ્રગ્સનો વ્યાપાર ગેરકાયદેસર રીતે અને ચોરીછૂપીથી ચાલી રહ્યો છે અને વારંવાર આ પ્રકારનું ડ્રગ્સ પકડાતું હોય છે ત્યારે ફરી દેશની રાજધાની નવી દિલ્હીમાંથી પોલીસને ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. દિલ્હી પોલીસ અને રેલવે પોલીસ યુનિટે ડ્રગ્સની ખેપનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે આ કેસમાં એક નાઇઝીરિયન નાગરિક અને તેની મહિલા મિત્રની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસને 10.5 કિલોગ્રામ એન્ફીટામાઇમ ડ્રગ મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગની કિંમત 10 કરોડ રૂપિયા થાય છે. ડ્રગ્સને બેંગ્લુરુથી લાવવામાં આવ્યું હતું અને રેવ પાર્ટીમાં તેનો ઉપયોગ થવાનો હતો. પોલીસ હાલમાં આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 22મી સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મોટી કાર્યવાહી કરતા દિલ્હીથી જોડાયેલા ઉત્તર પ્રદેશના નોઇડામાંથી હેરોઇન, કોકીન અને ગાંજાની દાણચોરીનું એક આંતરરાષ્ટ્રીય મૉડ્યૂલ પકડી પાડ્યું હતું. આ મામલે દરોડો પાડતા NCBએ મુખ્ય આરોપી સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. NCBએ આરોપીઓ પાસથી 8 કિલોગ્રામ હેરોઇન, 455 ગ્રામ કોકીન અને 1.1 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
આ મામલામાં NCBએ કહ્યું હતું કે, ભારતમાં રહેતો એક આફ્રિકન ગેંગનો સરદાર છે, તેની તાજેતરમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે તા કબ્જામાંથી 1.75 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે આ સિન્ડિકેટનું મૉડ્યુલ સંપૂર્ણ રીતે ભારત આધારિત છે.
(સંકેત)