- પીએમ મોદીની બેઠક પહેલા જમ્મૂ કાશ્મીરમાં મેહબુબા મુફ્તી વિરુદ્વ પ્રદર્શન
- મેહબુબા મુફ્તી વિરુદ્વ ડોગરા ફ્રંટે કર્યું પ્રદર્શન
- ડોગરા ફ્રંટના કાર્યકરોએ મેહબુબા મુફ્તી પાકિસ્તાનની ભાષા બોલતી હોવાનો આરોપ લગાવ્યો હતો
નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ આજે બપોરે જમ્મૂ કાશ્મીરના નેતાઓની સર્વપક્ષીય બેઠક પહેલા જમ્મૂમાં ડોગરા ફ્રંટ મેહબુબા મુફ્તી વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનકર્તાઓએ પીડીપી પ્રમુખ વિરુદ્વ નારેબાજી કરી હતી. આપને જણાવી દઇએ કે સર્વપક્ષીય બેઠકને લઇને મેહબુબા મુફ્તીએ ગુપકાર ગઠબંધનના નેતાઓ સાથે બેઠક બાદ જમ્મૂ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરવાની વકીલાત કરી હતી. તેમના આ નિવેદન બાદ તેમના વિરુદ્વ હલ્લા બોલ થઇ રહ્યું છે.
પાકિસ્તાન સાથે વાતચીતને લઇને મેહબુબા મુફ્તીએ આપેલા નિવેદન બાદ ડોગરા ફ્રંટ મુફ્તી વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનમાં મેહબુબા ઉપરાંત ઉમર અબ્દુલ્લા અને પાકિસ્તાન વિરુદ્વ પણ નારેબાજી થઇ રહી છે. ડોગરા ફ્રંટના કાર્યકરોએ મેહબુબા મુફ્તી પાકિસ્તાનની ભાષા બોલતી હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના વિરુદ્વ કાર્યવાહીની પણ માંગ કરી હતી.
આપને જણાવી દઇએ કે અગાઉ પ્રદેશ ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે જમ્મૂ કાશ્મીર મુદ્દે વાતચીત સંભવ નથી. પાકિસ્તાનમાં આતંકીઓની તાલિબ શિબિર આવેલી છે માટે મેહબુબા મુફ્તીની પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવાની માગ પૂરી ના થઇ શકે.
ઉલ્લેખનીય છે કે, ગુપકાર ગઠબંધનના અધ્યક્ષ ડૉ. ફારૂક અબ્દુલ્લા પણ વડાપ્રધાન સાથેની બેઠકમાં કલમ 370 અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માગ કરવામાં આવશે તેમ કહી ચુક્યા છે.