Site icon Revoi.in

ખાનગી સંસ્થાઓ ‘ખાદી’ નામના ઉપયોગથી દૂર રહે – દિલ્હી હાઇકોર્ટ

Social Share

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ-KVICના બ્રાન્ડ નેમ “ખાદી”નો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી સૌંદર્ય સ્પર્ધાઓ અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાઇકોર્ટ અનુસાર ખાદીના નામ પર કોઇ ભ્રમિત કરતી પ્રવૃત્તિઓ ના ચલાવી શકાય.

KVICએ આરોપ લગાવ્યો હતો કે કેટલીક ખાનગી સંસ્થાઓ બ્રાન્ડ નામ ખાદીનો દૂરુપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હાઇકોર્ટે આદેશમાં કહ્યું કે, બંને સંસ્થાઓના નામમાં ખાદી નામનો ઉપયોગ ભ્રમ પેદા કરે છે, જે ટ્રેડમાર્કનું ઉલ્લંઘન છે. આ બંને સંસ્થાઓ સોશિયલ મીડિયા એપ પર સંસ્થાના તમામ એકાઉન્ટની ખાદી નામ હટાવી લે. તે ઉપરાંત KVICના ઉત્પાદનથી મળતી બંને સંસ્થાઓની પ્રોડક્ટને પણ ઑનલાઇન વેબસાઇટ પરથી હટાવી લેવાનો આદેશ અપાયો છે.

KVICએ આરોપ લગાવ્યા છે કે, ફેશન ડિઝાઇનર્સને ખાદી પ્રમાણપત્ર આપવાની અવેજીમાં બે હજાર રુપિયા વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે સંસ્થા પર એવા આરોપ લગાવ્યા હતા કે, સંસ્થાએ વડાપ્રધાન રોજગાર કાર્યક્રમમાં જોડાયેલી હોવાનો દાવો કર્યો છે.