- DRDOએ કોરોનાની દવા 2-DGના ઉપયોગ માટે ગાઇડલાઇન બહાર પાડી
- કોરોના ઉપરાંત ડાયાબિટિસથી પીડિત લોકોએ આ દવા લેતા પહેલા સાવચેતી રાખવી
- કોરોના સંક્રમણના દર્દીઓ જલ્દીમાં જલ્દી 2ડીજી મેડિસિન વધુમાં વધુ 10 દિવસ પુરતી આપવી હિતાવહ
નવી દિલ્હી: DRDOએ કોવિડના દર્દીઓની સારવાર માટેની તેની દવા 2-DGના ઉપયોગ અંગેના દિશા નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં ખાસ કરીને કોરોના સંક્રમિત પરંતુ અન્ય બીમારીથી પીડિત દર્દીઓ માટે આ દવાના ઉપયોગ પહેલા ખાસ ધ્યાન રાખવાની ચેતવણી અપાઇ છે.
DRDOએ આ દવા સંદર્ભે જે ગાઇડલાઇન બહાર પાડી છે તેમાં ચેતવણી આપી છે કે, ખાસ કરીને ડાયાબિટીસ, હૃદયની બીમારી તેમજ ગંભીર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમથી પીડિત દર્દીઓને આ દવા આપતાં પહેલા ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે.
આપને જણાવી દઇએ કે કોરોના વાયરસના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓ પર ઇમરજન્સી ઉપયોગ માટે તેની દવા 2 ઓક્સી-ડી-ગ્લૂકોઝને મંજૂરી આપી હતી. જે પછી 17મેના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દવાના પહેરા પૂરવઠાની સપ્લાય કરી હતી.
આ દવાના ઉપયોગને લઇને સંસ્થાએ તેના દિશાનિર્દેશમાં જણાવ્યું છે કે, સામાન્યથી લઇને ગંભીર લક્ષણોવાળા કોરોના સંક્રમણના દર્દીઓ જલ્દીમાં જલ્દી 2ડીજી મેડિસિન વધુમાં વધુ 10 દિવસ પુરતી આપો. આ સિવાય ડાયાબિટીસ, હ્રદયની બીમારી કે સેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમને લઇને 2ડીજીનો વધારે અભ્યાસ કરાયો નથી, જેથી આવા દર્દીઓ માટે તેના ઉપયોગને લઇને સાવચેતી રાખવી જોઇએ.
તે ઉપરાંત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રી તથા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ દવા ના લેવાની સલાહ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, કોરોના સંક્રમણ સામે આ દવા DRDOએ તેની લેબમાં DRLની મદદથી તૈયાર કરી હતી. જેના ક્લિનીકલ ટેસ્ટમાં સામે આવ્યું હતું કે આ દવા સામાન્ય અને ગંભીર લક્ષણોવાળા કોરોનાના દર્દીઓ પર પ્રભાવશાળી અસર કરે છે.