Site icon Revoi.in

રડાર તેમજ રન-વેને વેધી નાખતા સ્માર્ટ બોમ્બનું સફળ પરીક્ષણ

Social Share

નવી દિલ્હી: ભારતનું ધીરે ધીરે સૈન્ય સામર્થ્ય વધતું જાય છે અને ભારત અત્યાધુનિક શસ્ત્રો-સરંજામ સાથે દુશ્મનોના છક્કા છોડાવવા માટે હવે સજ્જ છે. ભારત માટે નવા શસ્ત્રોનું નિર્માણ કરતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા એક અત્યાધુનિક હથિયારનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, DRDOએ સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું નિર્માણ કર્યું છે. જેનું ઓરિસ્સા તટેથી થોડે દૂર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા નિર્મિત હોક-1 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્માર્ટ એન્ટિ એરફિલ્ડ વેપનનું આ નવમું પરીક્ષણ હતું. આજના પરીક્ષણમાં હથિયાર તમામ ધારાધોરણો પર ખરુ ઉતર્યું હતું. આ બોમ્બનું વજન 125 કિલો છે અને તે કોઇપણ જગ્યાએ રડાર, રન વે જેવા લક્ષ્યાંકોને 100 કિલોમીટર દૂરથી નિશાન બનાવી શકે છે.

આપને જણાવી દઇએ કે સરકારે સ્માર્ટ વેપન પ્રોજેક્ટને વર્ષ 2013માં મંજૂરી આપી હતી. આ બોમ્બનું પ્રથમ પરીક્ષણ વર્ષ 2016માં કરાયું હતું. એ પછી ક્રમશ: 8 પરીક્ષણ કરવામાં આવ્યા હતા. આજે તેનો 9મો ટેસ્ટ હાથ ધરાયો હતો. રનવેને નિશાન બનાવતા સ્માર્ટ બોમ્બ ખરીદવા માટે ભારતીય વાયુસેના તેમજ નૌસેનાએ મંજૂરી આપી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બોમ્બનો ટેસ્ટ લડાકૂ વિમાન જગુઆર મારફતે કરવામાં આવ્યો હતો.

(સંકેત)