હવે ડ્રાઇવિંગ લાઇસન્સ, RC રિન્યૂ કરવાની છેલ્લી તારીખમાં વધારો કરાયો, આ તારીખ સુધી ડોક્યુમેન્ટ ચાલશે
- કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બનતા કેન્દ્ર સરકારે અગત્યનો નિર્ણય લીધો
- સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી
- સરકારે બધા જ રાજ્યોને ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી રિન્યૂની તારીખ 30 જૂન સુધી કરવાની ભલામણ કરી
નવી દિલ્હી: કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બનતા કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે રિન્યૂની છેલ્લી તારીખ 30મી જૂન થઇ ગઇ છે. કેન્દ્ર સરકારના વાહન અને પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને બધા જ રાજ્યોને ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી રિન્યૂની તારીખ 30 જૂન સુધી કરવાની ભલામણ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટર વાહન અધિનિયમ, 1988 અને કેન્દ્રીય મોટર વાહન નિયમ સાથે સંબંધિત દસ્તાવેજોની ખરાઇની સમયમર્યાદાને અનેકવાર વધારાઇ છે. વાહન અને પરિવહન મંત્રાલયે રાજ્ય સરકારોને સલાહ પણ આપી છે કે, 1 ફેબ્રુઆરીથી સમાપ્ત થયેલા દસ્તાવેજોની માન્યતા 30 જૂન, 2021 સુધી માન્ય ગણી શકાય. પરામર્શમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને 30 જૂન 2021 સુધી આવા દસ્તાવેજોને માન્ય માનવાની સલાહ આપવામાં આવે છે.
ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી બુક અને પરમિટ જેવા વાહનોને લગતાં દસ્તાવેજોને રજિસ્ટર કરવાની છેલ્લી તારીખ 30મી જૂન 2021 કરાઈ છે. પાંચમી વખત તારીખમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે લોકડાઉન આવ્યું ત્યારે 30મી માર્ચ સુધી સમયમર્યાદા વધારાઈ હતી તે પછી 9મી જૂન 2020 કરાઈ હતી, તે પછી 24મી ઓગસ્ટ 2020, ત્યારબાદ 27મી ડિસેમ્બર 2020ના રોજ વાહન અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યું હતું.
ફેબુ્રઆરીમાં જે લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી તેમનું લાઈસન્સ હવે મી 30 જૂન સુધી માન્ય રાખવામાં આવતા લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ છે એવા અનેક લોકોને રાહત થશે.
(સંકેત)