- ડ્રોન હુમલા બાદ ફરીથી ડ્રોન દેખાયું
- અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખાયું ડ્રોન
- જવાનોએ ડ્રોન પર કર્યું ફાયરિંગ, ડ્રોન પાકિસ્તાન તરફ ગયું
નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા જમ્મૂ એરબેઝ પર ડ્રોન હુમલા બાદ પણ ડ્રોન સતત નજર આવી રહ્યા છે. હવે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અરનિયા સેક્ટરમાં એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. BSF જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ ડ્રોન પાકિસ્તાનની સરહદ તરફ પાછું ગયું હતું. આજે વહેલી સવારે જવનોને હેક્સાકોપ્ટર ડ્રોન દેખાયું હતું.
ડ્રોન દેખાતા જ જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. આ ડ્રોન પર ફાયરિંગ કરતા તરત જ તે પાકિસ્તાન તરફ ગયું હતું.
BSFએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, BSF જવાનોએ સવારે 4.25 વાગ્યે પાકિસ્તાનના નાના હેક્સાકોપ્ટર ઉપર ફાયરિંગ કર્યું હતું. તે અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ફાયરિંગ પછી ડ્રોન પરત ફર્યું હતું. આ ડ્રોન વિસ્તારને મોનિટર કરવા માટે મોકલાયું હોવાની આશંકા છે.
બીજી તરફ, એરફોર્સ સ્ટેશન પર હુમલો થયાના ચાર દિવસ પછી ફરીથી ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોનને બુધવારે રાત્રે 12:45 વાગ્યે એરબેઝ ઉપર જોયું હતું. એનએસજી કમાન્ડોએ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રોન ગાયબ થઈ ગયું હતું. વાયુ સેનાના વહીવટ દ્વારા તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આશંકા છે કે નજીકથી કોઈ તેનું સંચાલન કરી રહ્યું છે.
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક થયા બાદ એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડર પર હાઈ એલર્ટ લગાવવામાં આવ્યું છે. ગુરુવારે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે કહ્યું છે કે ડ્રોનની સરળ ઉપલબ્ધતાએ સુરક્ષા પડકારોની જટિલતાઓને વધારી દીધી છે. જો કે, ભારતીય સેના જોખમો સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે ક્ષમતાઓ વિકસાવી રહી છે.