Site icon Revoi.in

દેશના દુર્ગમ વિસ્તારોમાં હવે વેક્સિનની સપ્લાય સરળતાથી થશે, સરકાર ડ્રોનથી વેક્સિન પહોંચાડશે

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશનને વધુ વેગવંતુ બનાવવા માટે સરકાર હવે પ્રતિબદ્વ છે અને સરકાર હવે ખાસ કરીને દેશના અંતરિયાળ વિસ્તારોમાં વેક્સિન પહોંચાડવા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી છે.

અંતરિયાળ વિસ્તારોમાં જવા માટે જ્યાં રસ્તાઓ અને વાહન વ્યવહારની સુવિધા છે ત્યાં વેક્સિન વિતરણ માટે કોઇ સમસ્યા નથી પરંતુ દેશના સંખ્યાબંધ એવા વિસ્તારો છે જ્યાં વેક્સિન પહોંચાડવાનું કામ અઘરુ છે. આવા વિસ્તારોમાં રસી મોકલવા માટે ડ્રોનની મદદ લેવા માટે વિચારણા થઇ રહી છે. IIT કાનપુર અનુસાર, ડ્રોનનો ઉપયોગ કરીને વેક્સિન મોકલવું શક્ય છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, દેશના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં કોરોના વેક્સિનની સપ્લાય માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની સહાયક કંપની દ્વારા ટેન્ડરો મંગાવાયા છે. જેમાં હાલના તબક્કે તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં ડ્રોન થકી કોરોના વેક્સિન પહોંચાડવાની વિચારણા થઇ રહી છે.

હાલમાં આ મામલે ICMR પણ અભ્યાસ કરી રહી છે. વેક્સિન સપ્લાય માટે જે ડ્રોનનો ઉપયોગ થશે જે 35 કિલોમીટર સુધી જઇ શકે છે. સાથે 100 મીટરની ઉંચાઇ સુધી ઉડી શકે તેવી શક્યતા હોવી પણ જરૂરી છે. આ માટે 22 જૂન સુધી પ્રસ્તાવ મંગાવવામાં આવ્યા છે.

દેશના અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોન થકી વેક્સિન પહોંચાડવા માટે એક પ્રોટોકોલ તૈયાર કરાયો છે. આ માટેનું એક પરીક્ષણ સફળ પણ રહ્યું છે. વેક્સિન માટે ઉપયોગમાં લેવાનારા ડ્રોન ચાર કિલો વજન લઇ જવા માટે સક્ષમ હશે, સાથે સાથે જ વેક્સિનેશન કેન્દ્ર પર તે વેક્સિન પહોંચાડીને પાછા આવી શકશે.