નવી દિલ્હી: મોદી સરકારે કામદારોના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે ઇ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે. 26 ઑગસ્ટના રોજ સરકારે આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ અંતર્ગત મજૂરોના ઇ-શ્રમ કાર્ડ બનાવાશે. આ કાર્ડ્સ પર, તેઓને 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમા કવર મળશે. આયુષ્માન ભારત યોજના હેઠળ, દરેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમો નિ:શુલ્ક આપવામાં આવશે.
આ ઇ-શ્રમ કાર્ડ માટે કામદારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેમાં તેઓએ તેમના નામ, વ્યવસાય, સરનામું, વ્યવસાયનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, કુશળતા તેમજ પરિવારની વિગતો વગેરેની વિગતો આપવી પડશે. મજૂરો કોમન સર્વિસ સેન્ટર પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
જે મજૂરો પાસે ફોન નથી અથવા જેમને વાંચતાં / લખતાં આવડતું નથી, તેઓ CSC કેન્દ્રોની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. કામદારના યુનિક ખાતા નંબર માટે રજીસ્ટ્રેશન કાર્ડ બનાવવામાં આવશે, જેને ઈ-શ્રમ કાર્ડ તરીકે નામ આપવામાં આવ્યું છે. અસંગઠિત અને પ્રવાસી કામદારોનો ડેટાબેઝ આધાર સાથે જોડવામાં આવશે.
આ સાથે, સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા દેશના કરોડો કામદારોની સુવિધા માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ માટેનો ટોલ ફ્રી નંબર 14434 છે. કામદારો આ નંબર પર કોલ કરી શકશે અને પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટેની જરૂરી માહિતી મેળવી શકશે. તેઓએ ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે આધાર નંબર અને બેંક ખાતાની વિગતો આપવી પડશે.
મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈ-શ્રમ પોર્ટલનો લોગો લોન્ચ કર્યો હતો. સાથે જ મંત્રીએ ઈ – શ્રમ પોર્ટલ વિશે માહિતિ પણ આપી હતી.